Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

નરોડા : લકી ડ્રોના નામે નિર્દોષ નાગરિકોની સાથે ઠગાઈ કરાઈ

કાટોડિયા ગોલ્ડના બમ્પર ડ્રોમાં લોકો છેતરાયા : નરોડામાં રહેતા માતા-બહેને લોભામણી લાલચમાં આવી જઇને લકી ડ્રોમાં પ૦ હજાર રૂપિયા ભર્યા અને છેતરાયા

અમદાવાદ, તા.૧૭ : શહેરના નરોડા વિસ્તારમાં લકી ડ્રો જેવી લોભામણી જાહેરાત આપીને સંખ્યાબંધ લોકો સાથે ચીટિંગ કરનાર બે શખ્સ વિરુદ્ધમાં વધુ એક ફરિયાદ થઇ છે. નરોડામાં રહેતા સીએનાં માતા અને બહેને લોભામણી લાલચમાં આવી જઇને લકી ડ્રોમાં પ૦ હજાર રૂપિયા ભરી દીધા હતા. સ્કીમ પ્રમાણે બન્ને જણાને રૂપિયા નહીં મળતાં તેમણે નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. નરોડામાં આવેલ યશ પ્લેટિનામાં રહેતા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સિદ્ધાર્થ સથવારાએ નરોડા પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરુદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ કરી છે તે મુજબ, બે મહિના પહેલા કાટોડિયા ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડની બમ્પર ડ્રોની સ્કીમની જાહેરાત ગોપાલ ભરવાડ અને મહેશ ભરવાડે કરી હતી. બન્ને જણાએ સ્કીમ કરી હતી કે દર મહિને એક હજાર રૂપિયાની રોકાણ કરવાનું રપ મહિના સુધી. દર મહિને લકી ડ્રો થશે, જે સભ્ય લકી વિનર બનશે તેણે બીજા હપ્તા ભરવાના નહીં. સ્કીમ પૂરી થતાં જેને ડ્રો લાગ્યો ના હોય તેને ૩૦ હજાર રૂપિયા રોક્ડ અથવા તો ૩ર હજાર રુપિયાનું સોનું મળશે. સિદ્ધાર્થની માતા અને બહેને આ ડ્રોમાં ભાગ લીધો હતો અને રપ મહિના સુધી બન્ને જણાએ પ૦ હજાર રૂપિયા ભર્યા હતા. માતા પુત્રીએ રૂપિયા અથવા સોનું માગતાં ગોપાલ અને મહેશે ચેક આપ્યા હતા. ચેક બાઉન્સ થતાં તેમણે નરોડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે નરોડા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

(7:20 pm IST)