Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્‍જ અેકશન પ્લાન તરફ ધ્યાન નહીં અપાય તો રાજ્યના કામદારોની ઉત્પાદન ક્ષમતા ૮ ટકા સુધી ઘટી જશે

ઉનાળામાં રેકોર્ડબ્રેક ગરમી, અનિયમિત વરસાદ અને લગભગ દુકાળ જેવી સ્થિતિ બાદ ગુજરાત ક્લાઈમેટ ચેન્જની કઠોર હકીકતને નકારી ન શકે. જૂન મહિનાના વર્લ્ડ બેંકના રિપોર્ટ “સાઉથ એશિયા હોટસ્પોટ: ધ ઈમ્પેક્ટ ઓફ ટેમ્પરેચર એન્ડ પાર્ટિસિપેશન ચેન્જીસ ઈન લિવિંગ સ્ટાન્ડર્ડ” પ્રમાણે, ગુજરાતના 19 જિલ્લાઓ 2050 સુધીમાં ‘મોડરેટ એન્ડ માઈલ્ડ’ કેટેગરીમાં ક્લાઈમેટ ચેન્જના હોટસ્પોટ બની જશે. EPIC (યુનિવર્સિટી ઓફ શિકાગોની એનર્જી પોલીસી ઈન્સ્ટીટ્યૂટ)ના રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે, ગુજરાત ક્લાઈમેટ ચેન્જ એક્શન પ્લાન તરફ ધ્યાન નહીં આપે તો રાજ્યના કામદારોની ઉત્પાદન ક્ષમતા 8 ટકા સુધી ઘટી જશે.”

દરિયાકિનારે આવેલા રાજ્યના ત્રણ જિલ્લાઓ જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરનું તાપમાન 1950થી 2010 સુધીમાં 1-1.5 ડિગ્રી વધ્યું છે. ગુજરાતના બાકીના ભાગોના સરેરાશ તાપમાનમાં 0.5થી 1 ડિગ્રીનો વધારો થયો છે. વર્લ્ડ બેંકે વોર્નિંગ આપી છે કે, 2050 સુધીમાં ગુજરાતના લગભગ દરેક જિલ્લાના તાપમાનમાં 2-2.5 ડિગ્રીનો વધારો થશે.

રિપોર્ટમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, વડોદરા, પંચમહાલ, મહિસાગર, અરવલ્લી, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર મોડરેટ હોટસ્પોટ છે. આ જિલ્લાઓમાં ક્લાઈમેટ ચેન્જની અસરથી જીવનધોરણ નીચું જશે, ખેતીલાયક જમીનો ઘટશે, ઉત્પાદન ક્ષમતા ઘટશે, સ્વાસ્થ્ય પર પણ અસર થશે. આમાંથી કેટલાક વિસ્તારો હજુ ઓછા વિકસિત છે અને પાણીની ખેંચ પણ છે. વર્લ્ડ બેંકના રિપોર્ટ મુજબ, કચ્છ, પાટણ અને આણંદ સહિતના રાજ્યના 17 જિલ્લાઓમાં 2050 સુધીમાં તાપમાન 2-2.5 ડિગ્રી સુધી વધી જશે.

આ બધા પડકારો છતાં ગુજરાતનું ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ કોઈ નક્કર પગલાં લેતું નથી. 2009માં એશિયામાં ગુજરાત પહેલું એવું રાજ્ય હતું જેમાં ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવ્યું. તેમ છતાં 2014માં ક્લાઈમેટ ચેન્જ પ્લાન (2015-2020) માટે 21,000 કરોડ રૂપિયા સૂચવનારું દેશનું છેલ્લું રાજ્ય છે. એક સીનીયર બ્યુરોક્રેટે ખુલાસો કર્યો કે, ગુજરાતનો ક્લાઈમેટ ચેન્જ પ્લાન પૂરો થવામાં બે વર્ષની જ વાર છે ત્યારે ડિપાર્ટમેન્ટ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં આ કામ પાછળ 80-100 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ નથી કરાયો.

ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટના એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, “TERI દ્વારા તૈયાર કરાયેલા ગુજરાત પ્લાનમાં બહાર આવ્યું છે કે રાજ્યમાં આવેલા દરિયાકિનારાના જિલ્લાઓની ખેતીની પેટર્ન બદલાઈ છે, બાગાયતી ખેતીમાં ઘટાડો થયો છે અને ખેતરમાં થતો પાક પણ ઘટ્યો છે. અમારા રિપોર્ટમાં એવી આગાહી કરાઈ છે કે, દરિયાની સપાટીમાં ચિંતાજનક વધારો થશે, મેલેરિયા, પેટ અને કિડનીને લગતા રોગોમાં વધારો જોવા મળશે.”

અર્થશાસ્ત્રી અને વર્લ્ડ બેંક રિપોર્ટના ઓથર મુથુકુમાર મણિએ કહ્યું કે, “હવામાનમાં થતા પરિવર્તનોના કારણે માથાદીઠ વપરાશનું સ્તર ઘટશે જેના કારણે ગરીબી અને અસામનતામાં વધારો થશે. હોટસ્પોટની ઓળખ કરવાથી પોલીસી મેકર્સ જાણી શકશે કે કયા વિસ્તારમાં જીવનધોરણ માટે સંસાધનોની જરૂર છે.”

તાપમાનમાં વધારો થતાં ગરમી અને હિટવેવ વધશે. તાપમાન વધતાં લોકોના સ્વાસ્થ્યની સાથે ખેતી અને એનર્જી સિસ્ટમ પર પણ અસર થશે. તાપમાન વધતાં બીમારીઓ વધશે. જીવજંતુઓ સ્થળાંતર કરશે જેના કારણે ચેપી રોગોનું પ્રમાણ વધશે. વધારે પડતી ગરમીના કારણે હવા બંધાશે જેથી પ્રદૂષણના કણો તેમાં ફસાશે અને અસ્થમા જેવી બીમારીઓ વધશે. સ્વાસ્થ્ય પર અસર થવાના કારણે લોકો પરંપરાગત કામ છોડીને બીજા કામમાં જોડાશે.

ગયા વર્ષે ભારતીય વૈજ્ઞાનિકો સહિતની ઈન્ટરનેશનલ રિસર્ચ ટીમે જણાવ્યું હતું કે, દેશમાં વારંવાર ઉથલો મારતાં ડેન્ગ્યૂનું કારણ ક્લાઈમેટ ચેન્જમાં થયેલા ફેરફારો છે. યુનિવર્સિટી ઓફ લીવરપુલ, IICT, હૈદરાબાદ અને NIPER, ગુવાહાટીએ ગુજરાત, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને કેરળ ઝોનનો અભ્યાસ કર્યો હતો. આ સ્થળોએ ફેલાયેલા ડેન્ગ્યૂનું કારણ EIP (એક્સટ્રીનસિક ઈન્ક્યુબેશન પિરીયડ) હોવાનું સામે આવ્યું. આ એવો સમયગાળો છે જેમાં એડિસ મચ્છર ડેન્ગ્યૂના વાયરસનું વહન કરે છે. વધતા તાપમાનને કારણે એડિસ મચ્છર ઝડપથી કરડે છે જેના કારણે EIP દિવસો ઘટે છે. ગુજરાતમાં 36.8 ડિગ્રી તાપમાને EIP 5 દિવસનો છે.

(6:02 pm IST)