Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ઠાસરાના આવેલ ભંગારના વાડામાં અચાનક આગ ભભૂકતા અફડાતફડી

ઠાસરા: ખાતે આવેલ ભંગારના વાડામાં મધરાત્રે અચાનક આગ ભભૂકી ઊઠતા અફડાતફડી મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતા નડિયાદ ડાકોર સહિતની ફાયર બ્રિગેડની ટીમે દોડી જઈ સવાર સુધી પાણીનો મારો ચલાવતા આગ કાબૂમાં આવી હતી. 
ઠાસરામાં રહેતા ઈરશાદઅલી મઝહરઅલી કામીનો ભંગારનો વાડો આવેલ છે. આ ભંગારના વાડામાં મધરાત્રે એક વાગ્યાના સુમારે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આ આગે જોતજોતામાં ભયાનક સ્વરૂપ ધારણ કરતા અંધકાર હોવા છતાં દિવસ જેવું વાતાવરણ સર્જાયું હતું. આગ ભભૂકી ઊઠતા આજુબાજુના લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. 
આ આગની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડ, ડાકોર તેમજ કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ ફાયર ફાઈટરો સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. ફાયર બ્રિગેડના પાંચ જેટલા ફાયર ફાઈટરોએ સવાર સુધી સતત પાણીનો મારો ચલાવતા આગ કાબૂમાં આવી હતી. આ આગની ઘટના બનતા ભંગારનો માલ સામાન સળગી જતા લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે. જો કે આગ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે દાઝી જવાની ઘટના બની નથી. જોકે આ બનાવ અંગે ઠાસરા પોલીસનો સંપર્ક કરતા પોલીસે કોઈ જાણકારી હોવાનો ઈન્કાર કર્યો હતો. આ ભંગારના વાડામાં અગાઉ પણ આગ લાગી હતી. આ આગ કયા કારણસર લાગી તે જાણવા મળેલ નથી.

(5:07 pm IST)