Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

અંબાજીના મેળાનો ધમધમાટ શરૂઃ સંઘોનું પ્રસ્‍થાન

૧૯ થી રપ સપ્‍ટેમ્‍બર સુધી અંબાજીનો મેળોઃ બુધવારથી પ્રારંભઃ ૨૦મી સુધી જબ્‍બર ટ્રાફીક રહેશે : અમદાવાદથી અંબાજી તરફના માર્ગો યાત્રાળુઓથી છલોછલ થવા લાગ્‍યાઃ દોઢસો સેવા કેમ્‍પોઃ સ્‍વાઇન ફલુ સામે સાવચેતી

રાજકોટ તા.૧૭: ભાદરવી પુનમના અંબાજીના મહામેળામાં રવિારથી અમદાવાદના વિવિધ પગપાળા સંઘોએ પ્રસ્‍થાન કર્યુ હતું. અમદાવાદથી અંબાજી તરફ જતા માર્ગો પદયાત્રીઓથી ભરચક થવા લાગ્‍યા છે. સરદાર પટેલ રીંગ રોડ પર હાથીજણ સર્કલથી છેક નાના ચિલોડા, રણાસર ચોકડી સુધીના માર્ગો પર વિવિધ સેવા કેમ્‍પો આજથી ધમધમવા લાગ્‍યા છે.

અમદાવાદમાં આ વર્ષે દોઢસો જેટલા સેવા કેમ્‍પો લાગ્‍યા છે. આ અંગે સેવા કેમ્‍પોના આયોજકોના જણાવ્‍યા મુજબ સેવા કેમ્‍પોમાં સ્‍વચ્‍છતા અને પ્‍લાસ્‍ટીક પર પ્રતિબંધ પર વિશેષ ધ્‍યાન અપાયું છે. રાજયમાં વકરેલા સ્‍વાઇન ફલુના રોગને લઇન કેમ્‍પોમાં કેળા, આઇસ્‍ક્રીમ, લસ્‍સી સહિતના વિવિધ ઠંડા પદાર્થો ન વાપરવાની સુચના અપાઇ છે.

પદયાત્રીઓને પીવા માટે સ્‍વચ્‍છ પાણી, જમવા માટે આરોગ્‍યપ્રદ અને તાજો ખોરાક અપાય તેના પર સવિશેષ ધ્‍યાન અપાયું છે.

અંબાજી તરફના રસ્‍તાઓ જય અંબેના નાદથી ગૂંજી રહયા છે. અંબાજીનો મેળો તા. ૧૯ થી રપ સપ્‍ટેમ્‍બર સુધી યોજાશે. જેને જોતા તા. ૧૭ થી ર૦ સપ્‍ટેમ્‍બર સુધી અમદાવાદના માર્ગો પર પદયાત્રીઓનો ભારે ઘસારો રહેશે. આજે પણ અનેડા, ઓઢવ, અમરાઇવાડી, ઇસનપુર સહિતના વિસ્‍તારોમાંથી પગપાળા સંઘો રવાના થશે.

પદયાત્રીઓની સલામતી માટે રોડ પર વાહનો સલામત રીતે ચલાવવા તેવી અપીલ કરતા પોસ્‍ટરો પણ વિવિધ જગ્‍યાએ લગાવી દેવાયા છે.

(4:01 pm IST)