Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ગુજરાતમાં ઝળહળાટઃ ખેતી માટે એક જ દિ'માં ૧૦ કરોડ યુનિટ વીજળી આપી

ખેડુત ઉત્કર્ષ માટે સરકારે પગલા ભર્યાનો મંત્રીઓનો દાવો

 ગાંધીનગર તા.૧૭ : રાજયના ખેડુતોને અન્યાયના કોંગ્રેસના આક્ષેપના જવાબમાં ઉર્જા મંત્રી સૌરભ પટેલે પત્રકારોને જણાવેલ કે ખેડુતોને વીજળી આપવામાં ગુજરાત મોખરે છે. કૃષિએક દિવસમાં વિક્રમસર્જક ૧૦ કરોડ યુનિટ વીજળી અપાયેલ છે.

રાજયના ઉર્જા મંત્રીશ્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે સૌથી વધુ વીજ પુરવઠો પુરો પાડીને ગુજરાતે દેશભરમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. એટલું જ નહીં ગુજરાતે એક જ દિવસમાં વિક્રમજનક ૧૦ કરોડ યુનિટથી વધુ વીજળી કૃષિક્ષેત્રે પૂરી પાડીને કૃષિ હિતલક્ષી સરકાર તરીકે વધુ એક સિદ્ધિ મેળવી છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના સબ નેતૃત્વ હેઠળ રાજય સરકારે ખેડૂતો અને ખેતીના ઉત્કર્ષ માટે અનેકવિધ પગલાં ભર્યા છે જેમાં પુરતા વીજ વ્યવસ્થાપન અને આયોજનના કારણે ખેડૂતોને પૂરતી વીજળી પુરી પાડીને ગુજરાતે વિક્રમજનક સિદ્ધિ મેળવી છે.

આ સંદર્ભે ઉર્જા રાજય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ રાજયના ખેડૂતોને જયારે જયારે જરૂરિયાત જણાઇ છે ત્યારે જે તે વિસ્તાર અને પાકની જરૂરીયાત મુજબ સરકારે તાત્કાલિક નિર્ણય લઇને રાજયના ખેડૂતોને વધારાનો વીજ પુરવઠો પુરો પાડયો છે.

ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે એમ પણ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સપ્ટેમ્બર-ઓકટોબર મહિનામાં કૃષિક્ષેત્રે દૈનિક ૬ થી ૭ કરોડ યુનિટ વીજળીનો વપરાશ રહેતો હોય છે. પરંતુ આ વર્ષે ખેડુતોને દસ કલાક વીજ પુરવઠો આપવાના સરકારના ખેડુતલક્ષી નિર્ણયને લઇને આ વપરાશ ૧૦ કરોડ યુનિટને પાર કરી ગયો છે. જે વિક્રમજનક ઐતિહાસિક સિદ્ધિ છે. ગુજરાત ભૌગોલિક રીતે અન્ય રાજયોની સરખામણીએ નાનું રાજય છે છતાં ગુજરાતે કૃષિક્ષેત્રે સૌથી વધુ યુનિટ પુરા પાડયા છે.

(3:53 pm IST)