Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ઉદ્યોગપતિની હત્યાના પગલે ફાયરીંગ કરનાર ભૂપેન્દ્ર દરડાનું ભેદી મોત : હત્યા - આત્મહત્યા ?

ફાયરીંગ કરી ભાગેલ ભૂપેન્દ્રની લાશ ખેતરોમાંથી મળી આવી : રિવોલ્વર - છરી - કારતૂસ મળ્યા

રાજકોટ તા. ૧૭ : દાહોદના ઉદ્યોગપતિ પર અંધાધુંધ ફાયરિંગ કરી ફરાર થઇ ગયેલા દલાલ ભુપેન્દ્રનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં ઘોડાડૃુંગરી નજીક ખુલ્લી જગ્યામાંથી આજે સવારે મળ્યો હતો. ભુપેન્દ્રની લાશથી આશરે દોઢ કિલોમીટર દુર ત્રિવેણી સંગમ પાસેથી બાઇક પણ મળી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ ભુપેન્દ્રએ જાતે જ છાતીના ભાગે રિવોલ્વરનો એક રાઉન્ડ છોડી આપઘાત કર્યોઙ્ગ હોવાનું પોલીસ માને છે જો કે પોલીસ દ્વારા અન્ય દિશામાં પણ તપાસ હાથ ધરાઇ છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે સવારે દાહોદ તાલુકાના દેલસર ગામે અરિહંત ઇન્ડસ્ટ્રીઝ નામની પલ્સ મિલના માલિક પ્રસન્નચંદ જૈન પર મિલના કંપાઉન્ડમાંજ આડેધડ ફાયરિંગ કરી ભુપેન્દ્ર મિલના કર્મચારીઓને ધાકધમકી આપતો બાઇક લઇને ફરાર થઇ ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ભુપેન્દ્ર ફાયરિંગ કરી રળીયાતી ખાન નદી પાસે ત્રિવેણી સંગમ નજીક પહોંચ્યો હશે અને નદીમાંજ જીવન ટૂંકાવવાનો નિર્ધાર કર્યો હશે પરંતુ કોઇક સંજોગોમાં તેને સફળતા નહી મળતા બાઇક તે સ્થળેજ છોડી ચાલતો ચાલતો ખુલ્લા ખેતરોમાં સંતાઇ ગયા બાદ રાત્રિના ઘોર અંધકારમાં પોતાનું જીવન ટૂંકાવ્યું હશે.

ભુપેન્દ્રની લાશ પાસેથી રિવોલ્વર, વધારાનું મેગઝીન, ચપ્પુ અને અન્ય સામાન મળ્યો હતો. પોલીસે એવી પણ શંકા વ્યકત કરી છે કે જો કોઇના ઇશારે પ્રસન્નચંદ ઉપર હુમલો કરાયો હોય અને પ્રસન્નચંદ ઉગરી ગયા હોવાની વાત પહોંચતા પોતાનો ભેદ ખુલી જવાના ભયે દલાલ ભુપેન્દ્રની હત્યા કરાઇઙ્ગ હોવાની શકયતા પણ નકારી શકાતી નથી. દરમિયાન પ્રસન્નચંદના પુત્ર નરપતરાજની ફરિયાદ દાહોદ પોલીસે નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:56 pm IST)