Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

વાવ પંથકના દેથલી માઈનોરના ત્રણ ગામોમાં સિંચાઇના પાણી માટે ત્રણ દિવસનું અલ્ટીમેટમ : સામુહિક આત્મદાહની ચીમકી

કેનાલમાં પાણી છોડાવામાં આવતા ચાર કલાકમાં પાંચ ફૂટનું ગાબડું પડતા તંત્ર સામે રોષ

વાવ તાલુકાના દેથળી માઈનોરમાં ત્રણ ગામના ખેડૂતોને સિંચાઇ માટે પાણી નહિ મળતાં વાવ મામલતદારને આવેદનપત્ર આપી ત્રણ દિવસનું અલ્ટીમેન્ટમ આપ્યું હતું. જે પૂર્ણ થતા વાવ મામલતદાર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

દેથળી, મોરીખા અને ધરાધરા ગામના ખેડૂતોને દેથળી માઇનોરમાં પાણી મળતું ન હોય બે વખત આવેદનપત્ર આપવા છતાં પાણી ન મળતાં આખરે કંટાળી ત્રણ દિવસમાં પાણી નહીં મળે તો સામૂહિક આત્મદાહની ચીમકી ઉચ્ચારી હતી. જેને લઈ વહીવટીતંત્ર હરકતમાં આવી ગયું હતું. નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવતાંની સાથે જ 4 કલાકમાં 5 ફૂટ જેટલું ગાબડું પડતાં ખેડૂતો તંત્ર પ્રત્યે લાલઘૂમ થયા હતા  કૂવાઓ પણ લીકેજ હોઈ પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું.

(1:13 pm IST)