Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ગુજરાતમાં માઠા દિવસો ! ૨૬ ટકા વરસાદની ઘટ : ૫૧ ટકા બંધો ખાલી

કચ્‍છ - ઉત્તર ગુજરાતને હવે નર્મદાના નીરનો જ સહારો : કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ નહીં કરાય તો આકરા દિવસો

અમદાવાદ તા. ૧૭ : ગુજરાતમાં ચોમાસાની સિઝન લગભગ પૂરી થવાની તૈયારીમાં છે. હવે, આગામી સમયમાં વધુ ભારે વરસાદ પડવાની કોઈ શક્‍યતા પણ અંકાતી નથી ત્‍યારે રાજય સરકારે અત્‍યારથી પાણીની ઉપયોગ માટે તેની સમીક્ષા હાથ ધરી છે. રાજયમાં સરેરાશ વરસાદની સામે ૨૬ ટકા વરસાદની ઘટ છે. એવી જ રીતે રાજયના બંધોમાં પણ ઉપયોગમાં લઈ શકાય તેવા પાણીના લાઈવ જથ્‍થામાં ૫૧ ટકાની ઘટ છે. .

રાજયમાં ચોમાસામાં કુલ સરેરાશ ૮૩૧ મી.મી., આશરે ૩૩ ઈંચથી વધુ વરસાદ પડે છે. તેની સામે અત્‍યાર સુધીમાં ૬૧૪ મી.મી., આશરે ૨૪ ઈંચથી વધુ વરસાદ પડ્‍યો છે. જે સરેરાશ વરસાદની સામે ૭૪ ટકા વરસાદ પડ્‍યો છે. અર્થાત રાજયના કુલ સરેરાશ વરસાદની સામે ૯ ઈંચ, એટલે કે ૨૬ ટકા વરસાદની ઘટ છે. જયારે રાજયમાં ચોમાસામાં કુલ ૨૦૩ બંધોમાં તેની પાણીની ૧૫,૭૬૦ મિલિયન ક્‍યુબીક મીટર (એમસીએમ) પાણીની કુલ સંગ્રહશક્‍તિ સામે અત્‍યાર સુધીમાં ૮૩૬૨ મિલિયન ક્‍યુબીક મીટરનો સંગ્રહ થયો છે. જે આ બંધોની કુલ પાણીની સંગ્રહશકિતની સામે આશરે ૫૩ ટકા જેટલો છે. જોકે, તેમાં ઉપયોગમાં લઈ શકાય તેટલો પાણીનો લાઈવ જથ્‍થો તો ૪૯ ટકા જેટલો છે અર્થાત રાજયના ૨૦૩ બંધોમાંથી ૫૧ ટકા બંધો ખાલી છે. રાજય સરકાર માટે આશ્વાસન લેવા જેવી બાબત એ છે કે, સરદાર સરોવર નર્મદા ડેમમાં તેની પાણીની ૯૪૬૦ એમસીએમ કુલ સંગ્રહશકિત સામે ૫૯૫૨ એમસીએમ પાણીનો સંગ્રહ થયો છે. જે પાણીના કુલ ગ્રોસ જથ્‍થાના ૬૩ ટકા જેટલો છે. જયારે સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ પાણીનો ઉપયોગમાં લઈ શકાય તેવો પાણીનો લાઈવ જથ્‍થો તો માત્ર ૨૨૫૨ એમસીએમ એટલે કે કુલ સંગ્રહ શક્‍તિની સામે ૩૯ ટકા જેટલો છે. અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે, કચ્‍છમાં માત્ર ૨૭ ટકા વરસાદ પડ્‍યો છે અર્થાત કચ્‍છમાં ૭૩ ટકા વરસાદ ઓછો પડ્‍યો છે અને અહીં ૯૨ ટકા પાણીની ઘટ પ્રવર્તી રહી છે.

 જયારે ઉત્તર ગુજરાતમાં ૪૩ ટકા વરસાદ પડ્‍યો છે એટલે તેના ૧૫ બંધોમાં ૨૯ ટકા પાણી ભરાયા છે, ૭૧ ટકા બંધો ખાલી છે. એવી જ રીતે મધ્‍ય ગુજરાતમાં ૬૭ ટકા વરસાદ પડ્‍યો છે . અહીંના ૧૭ બંધોમાં ૮૬ ટકા પાણી ભરાયા છે એટલે કે મધ્‍ય ગુજરાતના બંધોમાં પણ ૧૪ ટકા ઓછો પાણી ભરાયા છે. એક માત્ર દક્ષિણ ગુજરાતમાં ૯૫ ટકા વરસાદ પડ્‍યો છે પરંતુ અહીંના ૧૩ બંધોમાં ૪૮ ટકા પાણી ભરાયા છે એટલે કે અહીંના બંધોમાં પણ ૫૨ ટકા ઓછા પાણી ભરાયા છે. સૌરાષ્ટ્રમાં આ વખતે ૭૨ ટકા વરસાદ પડ્‍યો છે. અહીં ૨૮ ટકા વરસાદની ઘટ વચ્‍ચે અહીંના ૧૩૮ બંધોમાં ૪૨ ટકા પાણી ભરાયેલા છે. સૌરાષ્ટ્રમાં પણ ૫૮ ટકા ઓછા પાણી ભરાયા છે.

રાજયમાં જે ૧૭ મોટા બંધો છે. એમાં પણ કોઈ ખુશ થવા જેવી સ્‍થિતિ નથી. મહીસાગર જિલ્લામાં કડાણા ડેમમાં ૮૮ ટકા, પંચમહાલ જિલ્લાના પાનમ ડેમમાં ૯૮ ટકા, વલસાડના દમણગંગામાં ૮૧ ટકા, નર્મદા જિલ્લાના કરજણ ડેમમાં ૮૯ ટકા, છોટાઉદેપુરના સુખી ડેમમાં ૬૪ ટકા અને રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં ૫૧ ટકા પાણી ભરાયેલા છે એટલે કે, આ ૧૭ મોટા બંધોમાંથી માંડ ૬ બંધોમાં ૫૦ ટકાથી વધુ પાણી છે જયારે બાકીના ૧૧ બંધોમાં ૫૦ ટકાથી ઓછા પાણી ભરાયા છે.

 

શહેરમાં કેટલો વરસાદ ?

સરેરાશ વરસાદ        ૮૦૩ મીમી.

પડેલો વરસાદ  ૩૮૩ મીમી.

વરસાદની ઘટ  ૪૨૦ મીમી.

પડેલો વરસાદ  ૪૭.૬૮%

વરસાદની ઘટ  ૫૨.૩૨%

 

ક્‍યા ઝોનમાં વરસાદની ઘટ

કચ્‍છ            ૭૩.૪૯%

ઉત્તર ગુજરાત   ૫૭.૦૭%

મધ્‍ય ગુજરાત   ૩૩.૧૭%

દક્ષિણ ગુજરાત  ૦૫.૫૪%

સૌરાષ્‍ટ્ર          ૨૭.૮૦%

રાજ્‍યમાં સરેરાશ        ૨૬.૧૩%

(10:37 am IST)