Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

જૂના ફલેટ્સના રિડેવલપેન્ટનો ગુજરાતમાં કોઇ કાયદો જ નથી

રિડેવલપમેન્ટ અંગેનો સેમિનાર યોજાયો : રિડેવલપમેન્ટમાં જૂના મેમ્બર્સ પાસે જીએસટી નહી લેવા, સ્ટેમ્પ ડયુટીમાં મુકિત આપવા સહિતની શ્રેણીબદ્ધ માંગણી

અમદાવાદ,તા.૧૬ : અમદાવાદ શહેર સહિત ગુજરાતભરમાં જૂના ફલેટ્સ, સોસાયટી અને મકાનોના રિડેવલપમેન્ટ અંગેનો કોઇ કાયદો જ નથી, ત્યારે ઓઢવમાં સરકારી આવાસ યોજનાના જર્જરિત બ્લોક તૂટી પડવાની ગંભીર દુર્ઘટના બાદ હવે રાજય સરકારે આ સમગ્ર મામલે ગંભીરતાથી વિચાર કરવો જોઇએ અને તાકીદે રિડેવલપમેન્ટ અંગેનો કાયદો અને તેને લગતા નિયમો જારી કરવા જોઇએ. અર્બન રિડેવલપમેન્ટ હાઉસિંગ સોસાયટી વેલફેર એસોસીએશન (યુઆરએચએસડબલ્યુએ)નાં ઉપક્રમે ગુજરાતમાં જૂના ફલેટ્સ/કો-ઓપ. સોસાયટીનાં રિડેવલપમેન્ટ તેમની જરૂરિયાત, પ્રક્રિયા અને કાનૂની મુદ્દાઓ સહિતના વિષયોને લઇ જીઆઇસીઇ ખાતે એક મહત્વનો સેમીનાર યોજાયો હતો. જેમાં નિષ્ણાત તજજ્ઞો અને મહાનુભાવોએ ઉપરોકત સૂર વ્યકત કર્યો હતો. સેમીનારમાં રિડેવલપમેન્ટમાં જૂના મેમ્બર્સ પાસેથી જીએસટી નહી લેવા,  સ્ટેમ્પડયુટીમાં મુકિત આપવા અને એકસ્ટ્રા એફએસઆઇ આપવા રાજય સરકાર સહિતના સત્તાવાળાઓ સમક્ષ ઉગ્ર માંગણી કરાઇ હતી. રાજયભરમાં જૂની-પુરાણી અને જર્જરિત-જોખમી જૂના ફલેટ્સ, કો.ઓ.સોસાયટીઓના રિડેવલપમેન્ટને લઇ જીઆઇસીઇ ખાતે યોજાયેલા સેમીનારમાં યુઆરએચએસડબલ્યુએનાં ચેરમેન (પંચશીલ ગ્રુપ) શ્રી જિતેન્દ્ર શાહે જણાવ્યું હતું કે, આવાસ એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે. ઝડપથી શહેરીકરણ પામી રહેલા દેશમાં આજે શેલ્ટર મોટો પડકાર બનીને ઉભો છે. ભારતમાં ગુજરાત સૌથી વધુ શહેરીકરણ પામેલા રાજ્યો પૈકીનું એક છે. વર્ષ ૨૦૧૧નાં વસતિગણતરીનાં આંકડા પ્રમાણે ભારતમાં ૨૭ ટકા વસતિ શહેરી વિસ્તારોમાં વસતી હતી અને ગુજરાતમાં તે આંકડો ૪૨ ટકાનો હતો. શહેરી વિસ્તારોમાં હાઉસિંગનો મુદ્દો અગત્યની મહત્તા ધરાવે છે. શહેરી વિસ્તારોમાં માત્ર આશરો જ નહિં તેની સાથે પૂરતું આતરમાળખું અને અન્ય સંબંધિત જરૂરી સેવાઓ પણ અગત્યની છે. હાઉસિંગ એટલે માત્ર ઈંટ અને ચૂનાનું ચણતર જ નહિં, પરંતુ સંબંધિત આંતરમાળખાકીય સુવિધાઓ, સરળ ટ્રાન્સપોર્ટની ઉપલબ્ધ સુવિધાઓ, રોજગારીની તકો અને ઘણું બધું. ગુજરાતના શહેરી વિસ્તારોમાં અફાટ વસતિની સામે જમીનનો ભાગ જૂજ પ્રમાણમાં છે અને જુના બાંધકામો પણ રીપેરીંગ માંગી રહ્યા છે ત્યારે શ્રેષ્ઠ ઉપાય રિડેવલપમેન્ટનો છે. ગુજરાતનાં ફલેટો / કો-ઓપ. સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ કેવી રીતે થઈ શકે, તેની કાનૂની પ્રક્રિયાઓ અને મુદ્દાઓ તેમજ તેને સંબંધિત ફાયદાઓ અંગેની વિસ્તૃત જાણકારી સેમીનારમાં ઉપલબ્ધ બનાવાઇ હતી અને તે મુદ્દે મહત્વની ચર્ચા વિચારણા પણ હાથ ધરાઇ હતી. એસોસીએશનના ચેરમેન જિતેન્દ્ર શાહે વધુમાં ઉમેર્યું કે, ગુજરાતમાં રિડેવલપમેન્ટને લઇ કોઇ અધિકૃત કાયદો નથી, જેની સામે મહારાષ્ટ્રમાં રિડેવલપમેન્ટનો કાયદો હોઇ ત્યાં ઝડપથી સ્કીમો ચાલી રહી છે. સરકારે હાઉસીંગ બોર્ડની સોસાયટીના કિસ્સામાં રિડેવલપમેન્ટની જાહેરાત કરી હતી પરંતુ હજુ સુધી તેમાં કોઇ જ પ્રગતિ થઇ નથી ત્યારે સરકારે હવે ઓઢવ સહિતની જર્જિરત મકાનો, ઇમારતોની દુર્ઘટનાને ગંભીરતાથી લઇ હવે રાજયમાં જૂના ફલેટસ્, સોસાયટીઓના રિડેવલપમેન્ટની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી જાહેરાતો કરવી જોઇએ અને જાહેજનતાના હિતમાં તેની આડેના અંતરાયો દૂર કરવા જોઇએ.  સેમીનારમાં જાણીતા કાનૂની નિષ્ણાત પરેશ જાનીએ કાનૂની મુદ્દાઓ અને પ્રક્રિયાઓ અંગેની વિશેષ જાણકારી પૂરી પાડી હતી. ગુજરાત રાજ્યના એફોર્ડેબલ હાસિંગ મીશન હેઠળ ૨૦૧૭-૧૮ના સર્વે મુજબ ૯.૭૮ એફોર્ડેબલ મકાનની જરૂરીયાત છે. અમદાવાદ ડીસ્ટ્રીકટમાં ૩.૩૪ લાખ મકાન, સુરત ડીસ્ટ્રીકટમાં ૧.૮૨ લાખ મકાનની જરૂરિયાત છે. ૨૦૧૭-૧૮ માટે ગુજરાત ગર્વમેન્ટનો ૪૫,૦૦૦ મકાનનો ટાર્ગેટ છે. આ માટે વિવિધ યોજના હેઠળ બજેટમાં રૂ.૧૩૪૦ કરોડની પણ ફાળવણી કરી છે ત્યારે રિડેવલપમેન્ટ સમયની માંગ છે.

(9:08 pm IST)