Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

વલસાડ પાસે દરિયામાં માછીમારી કરતી બોટ ફસાતા કોસ્ટ ગાર્ડે હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કર્યું :10 માછીમારોને બચાવ્યા

બોટમાં સવાર 13 માછીમારમાથી 10 માછીમારને સલામત સ્થળે બહાર કાઢયા :બોટમાં સવાર માલિક અને બે માછીમારે હેલિકોપ્ટરમાં જવાનો ઇનકાર કર્યો

વલસાડ નજીક નવસારીની માછીમારી કરતી બોટ દરિયા વચ્ચે ફસાઇ ગઇ હતી. જે બાદ દમણ કોસ્ટ ગાર્ડે હેલિકોપ્ટરની મદદથી રેસક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતુ અને બોટમાં સવાર 13 માછીમારમાથી 10 માછીમારને બચાવીને સલામત સ્થળે બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, બોટમાં સવાર માલિક અને બે માછીમારે હેલિકોપ્ટરમાં જવાનો ઇનકાર કરી દીધો હતો. 

નવસારી જિલ્લાના ક્રિષ્ણાપુરની તુલસીદેવી નામની બોટ મુંબઇના દરિયામાં માછીમારી કરવા નીકળી હતી. આ બોટ વલસાડના દરિયા કિનારાથી 13 નોટિકલ માઇલ દૂર હતી ત્યારે એન્જિનમાં ખામી સર્જાતા બંધ પડી ગઇ હતી, જેને કારણે બોટમાં સવાર 13 માછીમારના જીવ પડીકે બંધાયા હતા. મદદ માટે સુરત કંટ્રોલ રૂમની મદદ માંગવામાં આવી હતી, જે બાદ દમણ કોસ્ટ ગાર્ડની ટીમે હેલિકોપ્ટર દ્વારા રેસક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતુ.

બોટમાં સવાર 13 માછીમારનું રેસક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવતા કોસ્ટ ગાર્ડની ટીમે હેલિકોપ્ટરની મદદથી 10 માછીમારોને બચાવી લીધા હતા. જોકે, બોટના માલિક અને અન્ય બે માછીમારે બોટ છોડવાનો ઇનકાર કર્યો હતો અને ત્રણેય માછીમારે બોટમાં જ રહેવાની તૈયારી બતાવી હતી.

(11:25 pm IST)