Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

નર્મદા ડેમમાંથી ૭.૪૫ લાખ ક્યુસેક પાણી છોડવાની સંભાવનાનાં લીધે તંત્રના અધિકારીઓ સાથે ગુગલ-મીટ વર્ચ્યુઅલી યોજેલી સમીક્ષા બેઠક

સાવચેતીરૂપે અગમચેતીના તમામ પગલાંઓ સમયસર લઇને કોઇ અનિચ્છનીય ઘટના ન બને તેની ખાસ કાળજી રાખવા અપાયેલી સૂચના: સંભવત: અસરગ્રસ્ત ગામોમાં સ્થળાંતરની જરૂરિયાત, આશ્રય સ્થાનો, રાહત-બચાવની કામગીરી વગેરે જેવી બાબતોના આગોતરા આયોજન સંદર્ભે કરાયેલી તૈયારીઓની પણ વિસ્તૃત સમીક્ષા સાથેના રચનાત્મક સૂચનો સહિત “ટીમ નર્મદા” ને અપાયું જરૂરી માર્ગદર્શન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર ખાતેના સરદાર સરોવર-નર્મદા ડેમમાં ઉપરવાસના જળાશયોમાંથી છેલ્લા બે દિવસથી પાણીની આવકમાં થઇ રહેલો સતત વધારો તેમજ નર્મદા ડેમમાંથી અને ભૂગર્ભ જળ-વિદ્યુત મથકમાંથી વિજ ઉત્પાદન બાદ નર્મદા નદીમાં છોડાઇ રહેલા સરેરાશ આશરે કુલ-૫.૪૫ લાખ ક્યુસેક પાણીના જથ્થામાં વધારો કરીને આજે મોડી રાત સુધીમાં અંદાજે ૭.૪૫ લાખ ક્યુસેક જેટલો જથ્થો છોડવાની સંભાવનાને લક્ષમાં લઇને નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ આજે ગુગલમીટ-વર્ચ્યુઅલ માધ્યમથી આપત્તિ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા જિલ્લાના સંબંધિત તમામ વિભાગોના અમલીરણ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજીને તેવતિયાએ પ્રવર્તમાન પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી અને સાવચેતીરૂપે અગમચેતીનાં જરૂરી તમામ પગલાંઓ સમયસર લઇને કોઇ અનિચ્છનીય ઘટના ન બને તેની ખાસ કાળજી રાખવા સૂચના આપી હતી.
 જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસ, સરદાર સરોવર-નર્મદા ડેમ અને કરજણ ડેમ કંટ્રોલના સંચાલન અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ, તાલુકા ડિઝાસ્ટર લાયઝન અધિકારીઓ, તમામ તાલુકાના  મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, માર્ગ-મકાન વિભાગ અને DGVCL ના ઇજનેરઓ, ડિઝાસ્ટર મામલતદાર વી.સી.ચાવડા સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકમાં જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા એ સરદાર સરોવર-નર્મદા ડેમમાંથી છોડવામાં આવનાર પાણી અને વરસાદથી થનાર નુકશાનને અટકાવવા સંદર્ભે અગમચેતીના ભાગરૂપે કરવાની થતી આવશ્યક તમામ કામગીરી અંગે પણ જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું
બેઠકમાં ચર્ચા દરમિયાન કલેકટર શ્વેતા તેવતિયાએ ગરૂડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના મામલતદારો પાસેથી નર્મદા ડેમમાંથી વધારે પાણી છોડવાની પરિસ્થિતિમાં સંભવત: અસરગ્રસ્ત ગામોમાં સ્થળાંતરની જરૂરિયાત, આશ્રય સ્થાનો, રાહત-બચાવની કામગીરી વગેરે જેવી બાબતોના આગોતરા આયોજન સંદર્ભે કરાયેલી તૈયારીઓ-વિગતોની જાણકારી મેળવવાની સાથે તેની પણ વિસ્તૃત સમીક્ષા કરી હતી અને આ અંગેના રચનાત્મક સૂચનો સહિત તેમણે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ વધારે પાણી છોડવામાં આવે ત્યારે જરૂર જણાય તો, વિલંબ વિના સ્વવિવેકથી અસરગ્રસ્તોનું સલામત સ્થળે ઝડપી સ્થળાંતર થાય તેમજ આશ્રય સ્થાનોમાં રહેવા-જમવા-પીવાના પાણીની સગવડોની ઉપલબ્ધિ સુનિશ્વિત કરવા સાથે આવા આશ્રય સ્થાનોએ પૂરતી સ્વચ્છતા પણ જળવાઇ રહે તે હેતુસર સંબંધિત તાલુકા મામલતદારશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને આવા આશ્રય સ્થાનોની રૂબરૂ મુલાકાત લઇને ત્વરિત ઘટતી કાર્યવાહીની પણ તેમણે ખાસ સૂચના આપી હતી.
નિચાણવાળા વિસ્તારોમાં લોકોની અવર-જવરને નિયંત્રણ કરવા તથા જ્યાં પ્રવાસીઓ વધુ જતાં હોય તેવા નદીના પૂરના વિસ્તારમાં લોકોની અવર-જવર નિયંત્રણ કરવા માટે સ્થાનિક પોલીસની મદદથી જરૂરી સર્વે કરીને આવી જગ્યાએ લોકોની સુરક્ષાના ભાગરૂપે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા પણ તેવતિયાએ જરૂરી સૂચના આપી હતી.

(10:45 pm IST)