Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

સુરતમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલ વરસાદના કારણોસર ઠેર-ઠેર પાણીનો ભરાવો થતા લોકોને હાલાકી

સુરત: શહેરમાં વરસાદની ફરીથી ધમાકેદાર ઈનિંગના કારણે સુરતનું જન જીવન પર માઠી અસર પડી રહી છે. શહેરના કેટસલાક વિસ્તારમાં વરસાદ અને ખાડીના પાણીનો ભરાવો થયો છે તો બીજી તરફ  ભારે વરસાદના કારણે શહેરના અનેક રસ્તાઓ તુટી ગયાં છે. આ પહેલાં રસ્તા તુટી ગયાં હતા અને શહેરીજનોમાં ભારે આક્રોશ હતો ત્યારે પાલિકા કમિશ્નરને માત્ર ત્રણ દિવસમાં શહેરના તમામ રસ્તા રીપેર થઈ જશે તેવો દાવો કર્યો હતો. જોકે, ત્રણ દિવસમાં રસ્તા રીપેર થયાં ન હતા અને આ રીપેર થયેલા રસ્તાઓનો ઉપયોગ શરુ થયો તેમાં વરસાદ ફરી શરુ થતાં રસ્તા પહેલાં કરતાં પણ વધુ તુટી ગયાં છે. 

પાલિકાના તમામ ઝોનમાં રસ્તા બિસ્માર બની ગયાં છે તેમાં પણ  બ્રિજ અને ફ્લાય ઓવર બ્રિજ તથા સર્કલની  આસપાસના રસ્તા સૌથી વધુ બિસ્માર બન્યા છે. થોડા દિવસો પહેલાં જ રસ્તા રીપેર કરવામાં આવ્યા છે તે રસ્તા ફરી તુટી જતાં કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોવાના આક્ષેપ થઈ  રહ્યાં છે. પાલિકા કહે છે ગેરંટી પીરીયડવાળા રસ્તા કોન્ટ્રાક્ટરના ખર્ચ અને જોખમે રીપેર થાય છે આ રસ્તા પર પાલિકાને ભલે ખર્ચ લાગતો ન હોય પરંતુ તુટેલા રસ્તાના કારણે વાહન ચાલકોની હાલત વધુ કફોડી થઈ રહી છે તેથી આ રસ્તા કામ ચલાઉ નહીં પરંતુ મજબુત રીતે ઉપયોગ થાય તેવી રીતે રીપેર કરવા લોકો માગણી કરી રહ્યાં છે. 

(5:36 pm IST)