Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ભેખડો ધસી પડતા ઉદેપુરથી અમદાવાદ નેશનલ હાઇવે બંધ

ભારે વરસાદના પગલે શામળાજીમાં ભેખડ ધસી પડતા રોડ બંધ કરી દેવાયો : ઉદેપુરથી અમદાવાદ વચ્‍ચેના ત્રણ રસ્‍તાઓ બ્‍લોક, ૧૫-૧૫ કિ.મી. સુધી ટ્રાફીક જામના દ્રશ્‍યોઃ મુસાફરોને આ રસ્‍તે ન જવા અનુરોધ

રાજકોટઃ ભારે વરસાદ અને ભેખડ  ધસી પડતા ઉદેપુરથી અમદાવાદ અને અમદાવાદથી ઉદેપુર વચ્‍ચેનો નેશનલ હાઇવે બંધ કરી દેવામાં આવ્‍યો છે. અહીં ૧૫-૧૫ કિ.મી. સુધી ટ્‍્રાફીક જામના દ્રશ્‍યો જોવા મળી રહ્યા છે.

સમગ્ર રાજ્‍યના વરસાદી માહોલ સર્જાયો છે. કેટલાક શહેરો અને જિલ્લાઓમાં મેઘરાજા ધુઆધાર વરસી રહ્યા છે. ઉદેપુરમાં પણ વરસાદે બઘડાટી બોલાવી દીધી છે. ત્‍યારે ભારે વરસાદ અને શામળાજીમાં ભેખડ ધસી પડવાની ઘટનાને લઇ ઉદેપુરથી અમદાવાદ અને અમદાવાદથી ઉદેપુર જનારાઓએ સાવચેત રહેવાની જરૂર છે.

અમદાવાદના ખાનગી ટ્રાવેલ્‍સના સંચાલકના જણાવ્‍યા અનુસાર, ભારે વરસાદ વચ્‍ચે ઉદેપુરથી અમદાવાદ વચ્‍ચેના ત્રણેય રસ્‍તાઓ બ્‍લોક થઇ ગયા છે. શામળાજી ઉદેપુર સ્‍ટેટ હાઇવે પર ભારે     વરસાદને પગલે ભેખડ પડતા બંધ કરવામાં આવ્‍યો છે. હાઇવે બંધ હોવાને પગલે ૧૫ કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્‍યો સર્જાયા છે. જયારે મોડાસામા મોટાભાગની નદીઓમાં પણ  પાણીનો પ્રવાહ વધ્‍યો છે. તો વિજયનગરમાં પણ નદીઓમાં પાણીનો પ્રવાહ વધતા અહીંનો રોડ પણ બંધ કરવામા આવ્‍યો છે. ખાનગી ટ્રાવેલ્‍સના સંચાલકનું કહેવું છે કે, તેમની પણ બે-ત્રણ લકઝરીઓ જયા ગઇ છે ત્‍યા ઉભી રાખવામાં આવી છે. તેમણે મુસાફરોને સાવધાન કરતા જણાવ્‍યુ છે કે, ઉદેપુરથી અમદાવાદ આવનાર પ્રવાસીઓ અને અમદાવાદથી ઉદેપુર જનારા પ્રવાસીઓએ હાલ પ્રવાસ ટાળવો જોઇએ અને બિલકુલ જોખમ ઉઠાવવું જોઇએ નહી, બને ત્‍યા સુધી જ્‍યાં છો ત્‍યાં જ હોલ્‍ટ કરવા સાવચેત કર્યા છે.

(11:59 am IST)