Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

પાટણ - બનાસકાંઠામાં ધોધમાર : ડીસામાં ૮ ઇંચ

દાંતીવાડા, પાલનપુર, ભાભર, વડગામ, વાવ સુઇગામ, દિયોદર, કાંકરેજમાં સર્વત્ર પાણી - પાણી

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ તા. ૧૬ : પાટણ - બનાસકાંઠા જિલ્લામાં ચોવીસ કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે નવ વાગ્‍યે પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. સતત ૨૪ કલાકથી એકધારા વરસાદે સમગ્ર પંથક અને શહેરના નીચાણવાળા વિસ્‍તારો અને ઘરોમાં પાણી ભરાઇ જવા પામ્‍યા છે. સમગ્ર શહેરના રોડ - શ્રસ્‍તાઓ તૂટેલા અને બિસ્‍માર હોઇ પ્રજાજનો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. વરસાદી પાણીના નિકાલની કોઇ યોગ્‍ય વ્‍યવસ્‍થા ન હોઇ શહેરની સોસાયટીઓમાં પાણી ભરાઇ જવા પામ્‍યા છે. પાટણ નગરપાલિકા તંત્ર બિલકુલ નિષ્‍ફળ નિવડયું છે.

છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પાટણ જિલ્લામાં સિધ્‍ધપુરમાં સાડા પાંચ ઇંચ, ચાણસ્‍મા પાટણમાં ૩ ઇંચ, સરસ્‍વતી - રાધનપુરમાં - શાંતલપુર - શંખેશ્વર - હારીજ - સમીમાં ૨ ઇંચ જેટલો મુશળધાર વરસાદ પડયો છે અને આ લખાય છે ત્‍યારે પણ મુશળધાર વરસાદ ચાલુ જ છે.

બનાસકાંઠા જિલ્લો જળબંબાકાર બન્‍યો છે.  ડીસામાં ૮ ઇંચ, દાંતામાં ૬ ઇંચ, દિયોદરમાં ૨ ઇંચ, અમીરગઢ - પાલનપુરમાં ૫ ઇંચ, વડગામમાં ૬ા ઇંચ, ધાનેરામાં પાંચ ઇંચ, વાવમાં ૩ ઇંચ, કાંકરેજમાં ૫ ઇંચ, દાંતીવાડામાં ૭ ઇંચ, ભાભરમાં ૩ ઇંચ વાવ સુઇગામમાં ૩ા ઇંચ વરસાદ નોંધાયો છે.

ચોવીસ કલાકથી ઉત્તર ગુજરાતમાં સર્વત્ર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની હજુ ચોવીસ કલાક સુધી ભારે વરસાદની આગાહીથી તંત્ર એલર્ટ થઇ ગયું છે.

(11:58 am IST)