Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

ડીસામાં પોલીસ મથકથી માત્ર 25 ફૂટના અંતરે લાખોની ચોરી ગોડાઉનમાંથી 15 લાખની સિગારેટની ચોરી કરી તસ્કરો ફરાર

ચોરી કરવા આવેલા તસ્કરો એજન્સીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ

  ડીસામાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરોએ એક ગોડાઉનમાંથી ચોરી ૧૫ લાખની સિગારેટ ચોરી કરી છે. જોકે ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે જેને લઇને ડીસા દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

   ડીસા  શહેરના દક્ષિણ પોલીસ મથકથી માત્ર ૨૫ ફૂટના અંતરે આવેલી એક એજન્સીમાથી ૧૫ લાખ કરતાં વધુની કિંમતની ચોરી થઈ છે. અને પોલીસે આ ઘટનાની ફરિયાદ આઠ દિવસ બાદ લીધી છે.

  તસ્કરો આ એજન્સીમાથી લગભગ પંદર લાખથી વધુની કિંમતની સિગારેટની ચોરી કરી ગયા છે. આ એજન્સીમાં ચોરી કરવા આવેલા તસ્કરો એટલા હોંશિયાર હતા કે તેમણે એજન્સીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પણ બંદ કરી દીધા હતા. પરંતુ તેમ છતાં જ્યારે તે એજન્સીના ગોડાઉનમાં ચોરી કરી રહ્યા હતા તે દરમ્યાન ગોડાઉનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. આ તસ્કરોને જ્યારે ગોડાઉનમાં કેમેરા લાગેલા હોવાની જાણ થતાં તસ્કરોએ તેમના ચહેરા છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટના સાત ઓગસ્ટની રાત્રે અને આઠમી ઓગસ્ટની વહેલી સવારના સમયે બની છે. ઘટના બન્યાને લગભગ આઠ દિવસ જેટલો સમય વીતી ગયા બાદ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી છે. પોલીસે આટલી મોટી ઘટનાની ફરિયાદ લેવામાં આટલો સમય કેમ લીધો તે પોલીસની કામગીરી પર સવાલ ઊભા કરી રહી છે. આ સમગ્ર ઘટના અંગે જલારામ એજન્સીના માલિક રજનિભાઈ પૂજારાએ વધુ વિગત આપી હતી.

(10:31 pm IST)