Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

અમદાવાદ : સરકારી કર્મીઓ પાસેથી લાખોનો દંડ વસૂલાયો

ટ્રાફિક દ્વારા સરકારી કર્મી પાસેથી દંડની વસૂલાત : પાંચથી ૧૧ ઓગસ્ટ દરમિયાન યોજાયેલી ઝુુંબેશમાં કુલ ૨૩ હજાર ચાલકોને ૨૪.૫૬ લાખનો દંડ કરાયો : રિપોર્ટ

અમદાવાદ, તા.૧૭ :  શહેરમાં તમામ સરકારી કચેરીઓની બહાર ટ્રાફિક પોલીસે વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં પાસપોર્ટ કચેરી, કલેક્ટર કચેરી, મ્યુનિસિપલ કચેરી, એસટી વર્કશોપ, ઈન્કમટેક્ષ ઓફિસ, પોસ્ટ ઓફિસ, સરકારી સ્કૂલો અને કોલેજો સામે ડ્રાઈવ યોજી હતી. ગત સપ્તાહમાં તા.૫થી ૧૧ ઓગસ્ટ દરમ્યાન એક સપ્તાહમાં પોલીસે આશરે ૧૩ હજાર સરકારી કર્મચારીઓ પાસેથી રૂ.૧૩.૫૦ લાખનો દંડ વસૂલ્યો હતો. સરકારી કર્મચારીઓ પાસેથી પણ દંડ વસૂલ કરી ટ્રાફિક પોલીસે શહેરની આમજનતાને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને ટ્રાફિક પોલીસની કામગીરીમાં સહકાર આપવા એક પ્રકારે સંદેશો આપ્યો હતો.

        સામાન્ય વ્યક્તિઓ ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો દંડાય જ છે પરંતુ ટ્રાફિકના નિયમોને ધોળીને પી જતા સરકારી કર્મચારીઓને પાઠ ભણાવવા ટ્રાફિક પોલીસે વિશેષ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. ટ્રાફિક પોલીસે આ કચેરીઓની બહાર કર્મચારીઓના ઓફિસે આવવાના સમયે સવારે ૧૦.૩૦ વાગ્યે અને છુટવાના સમયે સાંજે ૬-૦૦વાગ્યે આ ડ્રાઈવનું આયોજન કર્યું હતું.

આ ડ્રાઈવ દરમ્યાન તા.૫ ઓગસ્ટથી ૭ ઓગસ્ટ દરમ્યાન હેલ્મેટ વગર અને સીટ બેલ્ટ વગર ૧૩ હજારથી વધુ કરમચારીઓ ઝડપાયા હતા અને તેમની પાસેથી સાડા તેર લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. જેમાં કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓ ટ્રાફિક પોલીસ સામે રૌફ જમાવવાનો વ્યર્થ પ્રયાસ પણ કર્યો હતો. આ સિવાય એક સપ્તાહમાં સરકારી કર્મચારીઓ સહિત કુલ ૨૪ હજાર વાહનચાલકોને રૂ.૨૪.૫૬ લાખનો દંડ ફટકાર્યો હતો.

(9:11 pm IST)