Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

નેપાળ જેલમાં બંધ વિનય શાહને ગુજરાત લાવવા સીબીઆઈની મદદ મંગાઈ

સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલ ૨૫૦ કરોડના આર્થિક કૌભાંડના આરોપીને ગુજરાત લાવવા સીઆઈડી વડા આશિષ ભાટીયાના માર્ગદર્શનમાં ભારે ધમધમાટઃ સીઆઈડીની દલીલો માન્ય રાખી અદાલતે સત્તાવાર રીતે વોરન્ટ ઈસ્યુ કર્યુઃ ઈન્ટરપોલ સાથે સીબીઆઈ અને સીઆઈડી સતત સંકલન કરશે

રાજકોટ, તા. ૧૭ :. સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલ વિનય શાહ દંપતિના આર્ચર કેર પોન્ઝી સ્કેમ (કૌભાંડ)માં ગુજરાતને સીઆઈડી ક્રાઈમ દ્વારા સીઆઈડી વડા આશિષ ભાટીયાના માર્ગદર્શન હેઠળની ટીમે નેપાળની કસ્ટડીમાં રહેલા વિનય શાહને ભારત (ગુજરાત) લાવવા માટેનું સત્તાવાર રીતે અદાલતમાંથી મેળવેલુ વોરંટ સીબીઆઈ અને ઈન્ટરપોલ મારફત નેપાળ સરકારને મોકલવામાં આવનાર હોવાનું સીઆઈડીના સૂત્રોએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ છે.

 

અમદાવાદના પ્રિન્સીપાલ સેશન્સ જજશ્રી દ્વારા સીઆઈડી ક્રાઈમ દ્વારા આરોપી વિનય શાહને ગુજરાત લાવવો જરૂરી હોવાની દરખાસ્ત કરી હતી અને લોકોના વિશાળ હીતમાં જરૂરી હોવાનું પ્રતિપાદીત કરેલ જે બાબતને અદાલતે માન્ય રાખી સીઆરપીસીની કલમ ૭૦ મુજબ સત્તાવાર રીતે વોરન્ટ ઈસ્યુ કર્યાનું પણ સૂત્રો જણાવે છે.

અત્રે યાદ રહે કે વિનય શાહ કે જે નેપાળમાં ગેરકાયદે કરન્સી સાથે ઝડપાયેલ તે હાલમાં ડીઆરઆઈની કસ્ટડીમાં છે. નેપાળમાં જામીન પર છૂટવાના કાયદા ખૂબ જ અઘરા અને આર્થિક ગુન્હામાં મોટી રકમના જામીન લેવાતા હોવાથી વિનય શાહ માટે નેપાળની કસ્ટડીમાંથી બહાર નિકળવુ અત્યંત મુશ્કેલ છે. વિનય શાહ જ્યારે પકડાયો ત્યારે તેની ગર્લફ્રેન્ડ સાથે તેની પાસેથી ૩૦ લાખ રૂપિયાનું ગેરકાયદે ચલણ મળી આવેલ.

સીઆઈડી વડા આશિષ ભાટીયાના આદેશથી સીઆઈડીની એક વિશેષ ટીમ નેપાળ પહોંચી હતી અને સમગ્ર કેસથી વાકેફ થવા સાથે વિનય શાહની કસ્ટડી નેપાળના કાયદા મુજબ કઈ રીતે મેળવી શકાય ? તેની આખી પ્રક્રિયાથી વાકેફ થયેલ. સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ સીઆઈડી વડા દ્વારા સીબીઆઈ સાથે ચર્ચા અંતર્ગત ઈન્ટરપોલ સાથે સીબીઆઈ સંપર્કમા રહી અને આવશ્યક દસ્તાવેજો તથા બીજા આનુસાંગીક બાબતો સાથે સંપર્કમાં રહી વિનય શાહને વહેલી તકે ગુજરાત લાવવા તમામ પ્રયાસો ચાલુ હોવાનું પણ સુત્રો જણાવે છે.(૨-૭)

(11:58 am IST)