Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

ધાનેરા તાલુકા પંચાયતમાં અકસ્માતની સંભાવના વચ્ચે કર્મચારીઓ ફરજ બજાવતા હોવાનો ઘટસ્ફોટ :ખુદ ટીડીઓ જોખમ હોવાનું બોલ્યા

તાલુકા પંચાયતનું 45 વર્ષ જૂનું જર્જરિત મકાન પડુંપડું :રીપીએરીંગની તાતી જરૂરિયાત

ધાનેરા તાલુકા પંચાયતમાં અકસ્માતની સંભાવના વચ્ચે કર્મચારીઓ ફરજ બજાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. પંચાયતનું મકાન અત્યંત જર્જરીત હોઇ છત પડી જવાની, શોર્ટ સર્કીટ થવાની શક્યતા જોતા જાનમાલનું નુકશાન થઇ શકે છે. ખુદ મહિલા ટીડીઓ દ્વારા જોખમ હોવાનું દર્શાવતા તાલુકા પંચાયતનું મકાન નવિન બનાવવા કે રીપેર કરવા માટે જરૂરીયાત યુધ્ધના ધોરણે બની છે.

 બનાસકાંઠા જીલ્લા પંચાયતની ધાનેરા તાલુકા પંચાયત જોખમી હોવાનો રીપોર્ટ સામે આવ્યો છે. તાલુકા પંચાયતનું મકાન અંદાજે 45 વર્ષ કરતા પણ વધુ જૂનું છે. જેના કારણે છત પરથી પોપડા સાથે વરસાદનુ પાણી પણ પડી ઝમી રહ્યુ છે.

 નરેગા, વહીવટી, પંચાયત અને શિક્ષણ શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓ ભયભીત હોવાનું બહાર આવ્યુ છે. બિલ્ડીંગની ક્ષમતા સામે તાલુકા વિકાસ અધિકારીએ ગંભીર દુર્ઘટના થવાની સંભાવના જણાવતા માર્ગ મકાનના સત્તાધિશો સામે સવાલો બન્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વરસાદને પગલે સતત પાણી ટપકતા કોમ્પ્યુટર સહિત અન્ય સ્ટેશનરી પલળી જાય છે. આવી સ્થિતિમાં ટીડીઓ ગીતાબેન ઠાકોરે પંચાયતમાં શોર્ટસર્કિટ થવાની સંભાવના વ્યકત કરી છે. આનાથી કચેરી દરમ્યાન કર્મચારીઓના જીવ તાળવે ચોંટેલા રહે છે.

   સમગ્ર મામલે તાલુકા અને જીલ્લા પંચાયતની માર્ગ અને મકાન શાખા સંભવિત અકસ્માત સામે બેખબર કેવી રીતે હોઇ શકે ? તાલુકા પંચાયતના મકાનમાં વરસાદી પાણી પડતુ હોવાની વાત ફેલાઇ જતા ધાનેરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે

(8:32 pm IST)