Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

અમદાવાદમાં બે દિન ઝરમર વરસાદ : રસ્તાઓનું ધોવાણ

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી : રક્ષાબંધન-સ્વાતંત્ર્યદિનની ઉજવણી વેળા બહાર નીકળેલા લોકોને ઝરમર અને હળવા વરસાદથી હાલાકી વેઠવી પડી

અમદાવાદ, તા.૧૬ :     અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદી વાતાવરણ જામ્યુ છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ ગઇકાલે અને આજે એમ સતત બે દિવસ દરમ્યાન ઝરમર-ઝરમર અને હળવાથી ભારે વરસાદના ઝાપટાની સ્થિતિ ચાલુ રહી હતી, જેના કારણે શહેરનું વાતાવરણ ઠંડકમય બની ગયુ હતું. રક્ષાબંધન અને સ્વાતંત્ર્યદિનની ઉજવણી વખતે બહાર નીકળેલા લોકોને ઝરમર અને હળવા વરસાદની હાલાકી વેઠવી પડી હતી. અમદાવાદ શહેરમાં તાજેતરના વરસાદના કારણે શહેરમાં ભુવાઓ અને ખાડા પડવાની અનેક ઘટનાઓ સામે આવી છે કે જાણે શહેરમાં ખાડાઓ-ભુવાઓનું સામ્રાજય હોય એ પ્રકારે નાગરિકો ખાડા અને તૂટેલા રસ્તાઓ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. છેલ્લા બે દિવસના ઝરમર અને હળવા વરસાદમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેરમાર્ગો અને રસ્તાઓનું જોરદાર ધોવાણ થયું છે.

    રસ્તાઓ તૂટતાં ખાસ કરીને વાહનચાલકો ગંભીર હાલાકીનો ભોગ બની રહ્યા છે. તૂટી ગયેલા રસ્તાઓને શહેરમાં ટ્રાફિકજામ અને અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ખાસ કરીને ઠેર-ઠેર ઝરમર-ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે તા.૧૫ ઓગસ્ટે બપોરથી અમદાવાદ અને ગાંધીનગરમાં ઝરમર-ઝરમર વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા, બીજીબાજુ શહેરના કેટલાક વધુ વિસ્તારોમાં જાહેરમાર્ગો અને રસ્તાઓ ધોવાયા હતા. વરસાદના કારણે રક્ષાબંધન તહેવારમાં જઈ રહેલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આજે પણ વહેલી સવારથી શહેરમાં ઝરમર-ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. અમદાવાદ સહિત વડોદરા રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા સહિત ઠેર-ઠેર રક્ષાબંધનના દિવસે વરસાદ નોંધાયો હતો. 

       ઉત્તર ગુજરાતના પંથકોમાં આજે પણ જોરદાર વરસાદ ચાલુ રહ્યો હતો. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેને લઇને તંત્ર દ્વારા ઉત્તર ગુજરાતમાં રાહત અને બચાવ ટીમોને સાબદી રાખવામાં આવી છે.

(8:11 pm IST)