Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

અમદાવાદમાં તોફાની વરસાદના કારણે અનેક વિસ્‍તારોમાં વૃક્ષો ધરાશાયીઃ મકરબા વિસ્‍તારમાં આખી ગાડી સમાય જાય તેવો ભૂવો પડ્યો

અમદાવાદ: શહેરમાં આજે સવારે ધમધોકાર વરસાદ પડ્યા બાદ ફરી ભૂવા પડવાનું પણ શરુ થઈ ગયું છે. આજે શહેરના મકરબા તેમજ શ્યામલ વિસ્તારમાં ભૂવા પડ્યાની ઘટના સામે આવી છે. શ્યામલમાં તો ગયા મહિને જે જગ્યાએ પડ્યો તો તે જ જગ્યાએ ફરી ભૂવો પડતા ભૂવાને સરખી રીતે પૂરાયો હતો કે કેમ તેની લોકોમાં ચર્ચા થઈ રહી છે.

શ્યામલ ઉપરાંત મકરબા વિસ્તારમાં પણ આજે ભારે વરસાદ બાદ આખી ગાડી સમાઈ જાય તેવો મોટો ભૂવો પડ્યો છે. ભૂવામાં કોઈ પડી ન જાય તે માટે હાલ તેની ફરતે બેરિકેટર્સ ગોઠવી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આ સીઝનમાં ભારે વરસાદ માંડ ત્રણ વાર થયો છે, પરંતુ આટલા વરસાદમાં પણ શહેરમાં 30થી વધુ ભૂવા પડી ચૂક્યા છે.

શહેરમાં આજે થયેલા તોફાની વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટના પણ સામે આવી છે. આ ઉપરાંત, ભારે વરસાદથી અનેક સ્થળોએ પાણી પણ ભરાઈ ગયા હતા. અગાઉ જોવા મળ્યું છે કે, વરસાદ પડ્યાના થોડા સમયમાં શહેરમાં ઠેક-ઠેકાણે ભૂવા પડતા હતા. ત્યારે આજના વરસાદ પછી ફરી શહેરમાં ઉપરાછાપરી ભૂવા પડવાનો સિલસિલો યથાવત રહેશે કે કેમ તે જોવું રહ્યું.

(5:10 pm IST)