Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

RTOમાં સપ્ટેમ્બરથી લાયસન્સની તમામ ફી ઓનલાઇન જ સ્વીકારાશે

ફી ભરવા માટેની લાંબી લાઇનોમાંથી અરજદારોને છૂટકારો મળશે

અમદાવાદ તા. ૧૭ : અમદાવાદ RTO કચેરીમાં ૧લી સપ્ટેમ્બરથી લાયસન્સને લગતી તમામ પ્રકારની ફી ફરજિયાત ઓનલાઈન જ લેવામાં આવશે. હાલમાં અરજદારો ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારે ફી ભરી શકે છે. તેથી RTOમાં ઓફલાઈન ફી ભરવા ભારે ધસારો રહે છે અને લાંબી કતારો જોવા મળે છે. નવા નિર્ણય પ્રમાણે ફરજિયાત ઓનલાઈન જ ફી ભરવાની હોઈ ફી ભરવા માટેની લાંબી કતારોનો અંત આવશે અને લોકોને રાહત થશે. હાલમાં RTO કચેરીમાં રોજ સરેરાશ ૮૦૦ કરતા વધુ અરજદારો ઓફલાઈન ફી ભરવા માટે આવે છે.

રાજય સરકારના વાહન વ્યવહાર વિભાગે RTOમાં લાયસન્સ મેળવવા માટેની નક્કી કરેલી તમામ પ્રકારની ફી ઓનલાઈન જ ભરવાની રહેશે તેમ જાહેર કર્યુ છે. તેના પગલે અમદાવાદ RTOએ ૧ સપ્ટેમ્બરથી લાયસન્સને લગતી તમામ કામગીરીનું પેમેન્ટ ફરજિયાત ઓનલાઈન જ સ્વીકારવાનું નક્કી કર્યુ છે.

અરજદારોએ સપ્ટેમ્બરથી તમામ પ્રકારની ફી ઓનલાઈન ભર્યા પછી જ RTO કચેરીમાં આવવાનું રહેશે. parivahan.gov.in પર લોગ ઇન કરી અરજદાર ઓનલાઈન ફી ભરી શકશે. અરજદારે સીધા જ વેરિફિકેશનમાં જઈને લાયસન્સ માટેની બાકીની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. હાલમાં અરજદારો ફી માટેની લાંબી લાઈનોમાં ઊભા રહ્યા બાદ વેરિફિકેશન અને ત્યારબાદ બાકીની કાર્યવાહીમાં જતાં હોઈ સરેરાશ ૫ કલાક જેટલો સમય વેડફાતો હતો. હવે આ કામ ઝડપી થશે.

(10:25 am IST)