Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

પાણીના દુકાળને ભૂતકાળ બનાવી દેવાની યોજના છે

બોરસદ તાલુકાના ઝારોલા ખાતે રૂપાણીનું શ્રમદાનઃ મુખ્યમંત્રી રૂપાણીએ શ્રમિકને સુખડી અને છાશનું વિતરણ કર્યું : ૯.૬૪ લાખના ચેક અર્પણ : તળાવ વધુ ઉંડા કરાશે

અમદાવાદ,તા.૧૮: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જળસંચયના જે પણ સ્ત્રોત છે તે તમામ સ્ત્રોતની જળસંગ્રહ ક્ષમતા વધારવા દેશભરમાં પહેલરૂપ સુજલામ સુફલામ જળ અભિયાન ગુજરાતે ઉપાડ્યું છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું છે. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા ગામે તળાવ ઊંડુ કરવાના શ્રમયજ્ઞમાં જોડાયેલા મુખ્યમંત્રીએ એવો નિર્ધાર પણ વ્યક્ત કર્યો કે, આ અભિયાનથી પાણીના દુકાળને ભૂતકાળ બનાવી ભાવિ પેઢીને દુકાળની ખબર જ ન પડે તેવો સમૃદ્ધ વારસો આપીને દુકાળને ભાવિ પેઢી માટે દંતકથા બનાવી દેવો છે. મુખ્યમંત્રીએ ગુજરાતની ધરતી અનિયમિત વરસાદને કારણે અતૃપ્ત રહે છે ત્યારે આ સૂકી ધરાને તૃપ્ત કરીને તેને નવપલ્લવિત કરવાના આ ભગીરથ કાર્યમાં જનતા જનાર્દને પોતાનું અભિયાન બનાવ્યું હોવાનો ઉલ્લેખ કરી આ અભિયાન ભાવિ પેઢીનું નિર્માણ કરવાનું અભિયાન બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પાણી એ પ્રભુનો પ્રસાદ છે ત્યારે તેનો સદઉપયોગ કરી પાણીના ટીપે-ટીપાંને ભેગું કરી સાગર બનાવવાનું આહવાન કરતાં વિજય રૂપાણીએ કોીપણ જાતિ, જ્ઞાતિ કે ધર્મથી પર રહીને આ અભિયાનમાં જોતરાઈ રહ્યા છે તે જ આ અભિયાનની મૂડી છે તેમ કહ્યું હતું. સમગ્ર માનવજાત અને જીવસૃષ્ટિના કલ્યાણ માટેના આ મહાઅભિયાન થકી પાણીનો જે સંગ્રહ થશે તે ખેડુતો, પશુઓ, ઢોર-ઢાંખર, પંખીઓ સહિત સર્વને માટે આશીર્વાદ સમાન બની રહેશે તેમ વિજય રૂપાણીએ જણાવી પાણીની અગત્યતા વર્ણવી ગુજરાતને પાણીદાર રાજ્ય બનાવવાનું અભિયાન રાજ્ય સરકારે આદર્યું હોવાનું કહ્યું હતું. પાણીના એક એક ટીપાંનો ઉપયોગ ખેતી, પશુપાલન, વન-પર્યાવરણ માટે થાય તેવા જળસંચાયના કામો આ અભિયાન અંતર્ગત હાથ ધરાયા છે તેમ જણાવી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃતઃપાય થયેલી નદીઓ કોતરોને પણ પુનઃજીવિત કરવાના કાર્યોની વિગતો આપી સુજલામ સુફલામ જળસંચય અભિયાન દરમિયાન સમગ્ર રાજ્યમાં ૧૧ હજાર લાખ ઘનફુટ પાણીનો સંગ્રહ કરવામાં આવશે તેમ કહ્યું હતું. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ચોમાસુ ગુજરાત માટે સારા સમાચાર લઈને આવ્યું છે અને સારો એવો વરસાદ પડશે ત્યારે વરસાદી પાણીનું ટીપેટીપું જમીનમાં ઉતારી તેનો વિવેકપૂર્ણ  ઉપયોગ કરવાની પણ તેમને હિમાયત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે આ જળ અભિયાનને ચૂંટણીલક્ષી ગણાવીને વિરોધ કરી રહેલાઓને આડે હાથે લઈ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ અભિયાન સંસ્કૃતિને પરંપરાને જાળવવાનું અને ભાવિ પેઢીનું નિર્માણ કરવાનો અને સમૃદ્ધ જળવારસો આપવાનું અભિયાન છે. રૂપાણીએ જળસંચય અભિયાનની સાથોસાથ સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો બેટી પઢાવો, ખેલે ગુજરાત, વાંચે ગુજરાત જેવા અભિયાનને જેમ વ્યાપક જનસમર્થન મળ્યું હતું.

(9:57 pm IST)