Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

રાજુ ગેંડીના પુત્ર પર ફાયરીંગ કરનાર બે શખ્સો ઝડપાઈ ગયા

દેશી તમંચા અને જીવતા કારતૂસ સાથે પકડાયા : કુખ્યાત બુટલેગર ગેંડીના પુત્ર ઉપર ફાયરીંગના પ્રકરણમાં ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકોમાં જ ગુનેગારોને ઝડપ્યા

અમદાવાદ, તા.૧૬ : શહેરના સરદારનગર વિસ્તારમાં કુખ્યાત બુટલેગર રાજુ ગેંડીના પુત્ર રવિ પર થયેલા ફાયરીંગના ચકચારભર્યા પ્રકરણમાં શહેર ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ ગણતરીના કલાકોમાં જ ફાયરીંગ કરનાર બંને આરોપીઓને ઝડપી લીધા છે. ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ આ કેસમાં શહેરના નરોડા પાસે  દાસ્તાન સર્કલ પાસેથી બુટલેગર મનીષ ઉર્ફે બીડી લદાની અને અજ્જુ ઉર્ફે ચોર રાઘાણી નામના બે શખ્સની એક દેશી તમંચા અને ચાર જીવતા કારતૂસ સાથે ધરપકડ કરી લીધી હતી.

પોલીસે બંને આરોપીઓ વિરૂધ્ધ જરૂરી ગુનો દાખલ કરી સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ જારી રાખી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સરદારનગર વિસ્તારમાં હોલસેલ દારૂનો ધંધો કરતા રાજુ ઉર્ફે ગેંડી ક્રિશ્નાનીના પુત્ર રવિની થોડાક દિવસ પહેલાં અજ્જુ ઉર્ફે ચોર નામની વ્યકિત સાથે બોલાચાલી થઇ હતી. રવિ કુબેરનગરમાં નોનવેજની હોટલ પાસે બેઠો હતો ત્યારે અજ્જુ પણ તે હોટલની નજીક બેઠો હતો. બન્ને વચ્ચે સામાન્ય બાબતે બાલાચાલી થઇ હતી, જેની અદાવત રાખીને અજ્જુએ રવિના મોઢા પર ફેંટો મારી હતી. ત્યારબાદ અજ્જુએ રવિ પાસેથી દસ લાખ રૂપિયાની ખંડણી માગી હતી જ્યારે તેના પર ફાયરિંગ કરવાની પણ ધમકી આપી હતી. અજ્જુ સાથે કુબેરનગરની બિસ્કિટ ગલીમાં રહેતા અને દારૂના ધંધામાં સંડોવાયેલા મનીષ ઉર્ફે બીડીએ પણ રાજુ ગેંડીને બીભત્સ ગાળો આપી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી. સોમવારે મોડી રાતે રવિ તેના મિત્રો સાથે સરદારનગર વિસ્તારમાં બેઠો હતો ત્યારે મનીષ અને અજ્જુ કાર લઇને આવ્યા હતા. જ્યાં ચાલુ કારમાં મનીષે તેની પાસે રહેલી રિવોલ્વર કાઢીને રવિ પર ફાયરિંગ કર્યું હતું. ફાયરીંગની આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. સરદારનગર પોલીસ મથકમાં આ બનાવ સંદર્ભે ફરિયાદ પણ નોંધાઇ હતી. દરમ્યાન ગુનાની ગંભીરતા ધ્યાને લઇ શહેર ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ ચોક્કસ બાતમી મેળવી હતી અને ફાયરીંગ કરનાર બંને આરોપીઓ મનીષ અને અજ્જુને દાસ્તાન સર્કલ પાસેથી રંગેહાથ ઝડપી લીધા હતા.

(8:09 pm IST)