Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

લોકોની જરૂરિયાતને ઉચ્ચ પ્રાથમિકતા : નીતિન પટેલ

માર્ગ અને મકાન વિભાગની માંગણી મંજુર કરાઈ : રાજ્યમાં બાવન પુલોના નિર્માણ માટે ૧૨૦ કરોડ ખર્ચાશે ૬૮ રેલવે ઓવરબ્રિજ ૩૪૭૦ કરોડના ખર્ચથી બનાવાશે

અમદાવાદ,તા.૧૭ : નાયબ મુખ્યમંત્રી અને માર્ગ-મકાન મંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્યની વિકાસયાર્ત્રામાં માર્ગ-મકાન વિભાગનો સિંહફાળો રહ્યો છે. ત્યારે આ વિકાસયાત્રાને વધુ વેગ મળે એ માટે નાગરિકોની જરૂરીયાતોને પ્રાધાન્ય આપીને રસ્તાઓ, પુલો અને આંતરમાળખાકીય સવલતોનું નિર્માણ કરાશે. આજે વિધાનસભા ખાતે માર્ગ-મકાન વિભાગની ૧૦૦૫૮.૪૦ કરોડની અંદાજપત્રીય માંગણીઓ રજુ કરતાં નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યુ કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદેશી આયોજનના પરિણામે ગુજરાત રસ્તા, પુલો અને માળખાકીય સવલતો ક્ષેત્રે દેશમાં નમુનારૂપ ગણાય છે એતે આગળ વધારવા માટે રાજ્ય સરકારે સતત પ્રયાસો કરીને માળખાગત સવલતોનું નિર્માણ પણ કર્યુ છે. પટેલે ઉમેર્યુ કે, રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોને વધુ સમૃધ્ધ બનાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના જાહેર કરી છે જે હેઠળ ૩૪૦૦૦ ગામો અને પરાઓને આવરી લેવાશે. આ યોજના હેઠળ ત્રણ વર્ષમાં ૧૦૨૪૩ કરોડ મંજૂર કરાયા છે આ માટે વર્ષ ૨૦૧૯-૨૦ માં ૨૫૬૯.૪૧ કરોડની જોગવાઇ પણ કરાઇ છે. આ યોજના હેઠળ રાજ્યમાં ૬૯૫૦ કરોડના ૧૯૬૩૦ કિ.મી. લંબાઇના ૭૩૧૬ રસ્તાના કામો પૂર્ણ કરાયા છે અને ૪૩૯૫ કરોડના ૧૦૨૫૫ કિ.મી. લંબાઇના ૩૯૦૮ રસ્તાના કામો પ્રગતિમાં છે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, પ્રતિ વર્ષ રસ્તાઓની સપાટી સુધારણા, મજબુતીકરણ અને પહોળા કરવાની કામગીરી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવે છે. આ વર્ષે મહેસાણા-મોઢેરા રોડ, ડીસા-લાખણી રોડ, સાયલા-સુદામડા-પાળીયાદ રોડને ૨૪૦ કરોડના ખર્ચે ચારમાર્ગીય કરવાનું કામ પ્રગતિ હેઠળ છે. તે જ રીતે જનભાગીદારી થકી ૧૬૫૪ કરોડના ખર્ચે બગોદરા-તારાપુર-વાસદ માર્ગને છ માર્ગીય કરાશે. સાથે-સાથે આ વર્ષે ૮૦૮.૫૮ કિમી લંબાઇના માર્ગોને ૧૨૬૧.૮૦ કરોડના ખર્ચે ૧૦ મીટર પહોલા કરવાના કામો પ્રગતિ હેઠળ છે. આ વર્ષે નવા છ કામો શરૂ કરાશે. એ જ રીતે ૪૯૭.૯૮ કિમી લંબાઇના રસ્તાઓને ૫૯૦.૪૦ કરોડના ખર્ચે ૭ મીટર પહોલા કરવાના કામો પ્રગતિ હેઠળ છે અને નવા સાત કામો આ વર્ષે શરૂ કરાશે. તેમણે કહ્યું કે, આંતર જિલ્લાજોડાણો અને ગામો-શહેરોવચ્ચે ટુંકા અંતરથી અવર-જવર માટે નાગરિકોની સરળતા ખાતર ૧૨૦૬.૮૨ કરોડના ખર્ચે હાથ ધરેલ બાવન પુલોના કામો પ્રગતિ હેઠળ છે. અને પાંચ કામો આ વર્ષે શરૂ કરાશે. બીજા તબક્કામાં પણ ૨૬૭ પુલોનું નિર્માણ ૪૪.૪૭ કરોડના ખર્ચે હાથ ધરાશે.

(10:03 pm IST)