Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

આનંદો :રાજ્યમાં ચાલુ વર્ષે 37535 સહીત આગામી : ત્રણ વર્ષમાં ૬૦ હજાર જગ્યાઓ માટે ભરતી કરાશે:

ડે ,સીએમ નીતિનભાઈ પટેલે કહ્યું ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર તૈયાર

અમદાવાદ :નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર તૈયાર કરાયું છે અને તે મુજબ પ્રતિવર્ષ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.આગામી ત્રણ વર્ષમાં ૬૦,૦૦૦ થી વધુ જગ્યાઓ ભરવાનું આયોજન છે. આ વર્ષે ૧૬,૫૦૦ જગ્યાઓ ભરવાની મંજૂરી પણ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મળી ગઇ છે.

   પટેલે ઉમેર્યુ કે, અંદાજપત્ર સત્ર દરમિયાન થયેલી જાહેરાત મુજબ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આગામી ત્રણ વર્ષમાં અંદાજિત ૬૦,૦૦૦ જગ્યાઓ ભરવાનું આયોજન છે. રાજ્ય સરકાર દ્વારા આ પૈકી ચાલુ વર્ષે  ૩૭,૫૩૫ અને તે પછીના બે વર્ષમાં અનુક્રમે ૧૧,૬૦૦ અને ૧૧,૩૦૦ જગ્યાઓ ભરવાનું આયોજન છે
   રાજ્ય સરકાર દ્વારા ૧,૫૩,૦૦૦ કરતા પણ વધુ ભરતીના આયોજન સ્વરૂપે ૧૦ વર્ષ માટે ભરતી કેલેન્ડર બનાવી રાજ્ય સરકારની કચેરીમાં કર્મચારીઓની ભરતી હાથ ધરવામાં આવશે.
   તેમણે કહ્યું કે નવી મંજુર થયેલી જગ્યાઓ તથા વિવિધ કારણોસર ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે જે જગ્યાઓ પાછળના વર્ષમાં ભરવાનું આયોજન હતું તે આગળના વર્ષમાં ભરવા માટે ફ્રન્ટ લોડિંગ અર્થે રચવામાં આવેલી સ્થાયી સમિતિની મંજૂરી પણ આપવામાં આવી છે. આ રીતે છેલ્લા એક વર્ષમાં ગ્રામ સેવક, મુખ્ય સેવિકા, સર્વેયર, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, કોન્સ્ટેબલ સહિતની લગભગ ૧૫ થી વધુ સેવાઓ માટે ૧૬,૫૦૦ જગ્યાઓની ભરતી માટે મંજૂરી આપી દેવામાં આવી છે.
  ભરતી કેલેન્ડરમાં સામેલ તથા જે જગ્યાઓ માટે રાજ્યસરકારની મંજૂરીની આવશ્યકતા નથી તેવી જગ્યાઓ મળીને સીધી ભરતીથી રાજ્ય સરકાર દ્વારા ૨૧ વિવિધ વિભાગોમાં  ૨૦૧૪ થી અત્યાર સુધીમાં ૧,૧૮,૪૭૮ કરતા પણ વધુ જગ્યાઓ ભરવામાં આવી છે.
આ પૈકી વર્ષ ૨૦૧૪ માં ૨૦,૨૩૯ ૨૦૧૫ માં ૨૪૪૨૦, ૨૦૧૬ માં ૧૦,૬૦૪ ૨૦૧૭ માં ૪૭,૮૮૬, ૨૦૧૮ માં ૧૫૩૨૯ જગ્યાઓ ભરવામાં આવી છે. વર્ષ ૨૦૧૯ માં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ૭૮૪૨, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ મારફત ૯૫૩૮, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ૪૦૦૭, ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ૯૭૧૩ અને માધ્યમિક શિક્ષણ પસંદગી સમિતિ મારફત ૬૪૩૫ એમ મળીને કુલ-૩૭,૫૩૫ જગ્યાઓ ભરવાની પ્રક્રિયા જુદા-જુદા તબક્કે પ્રગતિ હેઠળ છે

(9:19 pm IST)