Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ભીલોડા અણસોલ પાસે ૧.૨૦ કરોડનું ચરસ જપ્ત : બે ધરપકડ

એસઓજી અને શામળાજી પોલીસનું ઓપરેશન : કારમાં ગુપ્ત ખાનું બનાવી ચરસની હેરફેરી કરતા બે શખ્સો ઝડપાતાં ભારે ચકચાર : ૨૪ કિલો ચરસનો જથ્થો કબજે

અમદાવાદ, તા.૧૭ : ભીલોડાના અણસોલ પાસેથી આજે શામળાજી અને એસઓજી પોલીસે એક સંયુકત મોટા ઓપરેશનમાં રૂ.૧.૨૦ કરોડની કિંમતનો રૂ.૨૪.૧૯૦ કિલોગ્રામ ચરસનો જથ્થો ઝડપી લેતાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે આ સમગ્ર કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શામળાજી અને એસઓજી પોલીસને અણસોલ ગામ પાસેથી પસાર થતી એક કારમાં મોટાપાયે ચરસના જથ્થાની હેરાફેરી થવાની છે તે મતલબની મળેલી ચોક્કસ બાતમીના આધારે સ્થાનિક પોલીસ અને એસઓજીના અધિકારીઓ આ માર્ગ પર ગુપ્ત વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી મુજબની કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને આંતરી હતી અને તેની જડતી લીધી હતી.

 તો, કારમાં ગુપ્ત ખાનુ બનાવાયેલું હતું અને તેમાં રૂ.૧.૨૦ કરોડની કિંમતનો ૨૪.૧૯૦ કિલોગ્રામ ચરસનો જથ્થો સંતાડેલો હોવાનું માલૂમ પડયુ હતું. શામળાજી નજીક અણસોલ ગામની સીમમાં એસઓજી અને શામળાજી પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડીને રૂ.૧.૨૦ કરોડના ૨૪.૧૯૦ કિલોગ્રામ ચરસ જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા અને સમગ્ર મામલે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે હવે આરોપીઓ ચરસનો આટલો મોટો જથ્થો કયાંથી લાવ્યા હતા અને કોને ડિલીવરી કરવાના હતા અને સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ કોણ આરોપીઓ સંડોવાયેલા છે તે સહિતની બાબતોમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(8:39 pm IST)