Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

વડોદરામાં સેવઉસળના નમુના લેવાયાઃ સિન્થેટિક કલરનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદ બાદ કોર્પોરેશન તંત્ર દ્વારા કાર્યવાહી

વડોદરા :સેવઉસળ એ વડોદરાની પ્રખ્યાત ખાણીપીણી છે. વડોદરામાં દરેક ગલીનાકે સેવઉસળની લારી જોવા મળે છે. ત્યારે આરોગ્ય વિભાગે વડોદરાના પ્રખ્યા મહાકાળી સેવઉસળને ત્યાં જ દરોડા પાડ્યા છે. આરોગ્ય વિભાગે સેવઉસળ, તેની ચટણી તથા બનના નમૂના લીધા હતા. ત્યારે દરોડાને પગલે વડોદરામાં સેવઉસળ વેચનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

વડોદરાના આરોગ્ય વિભાગ દ્વારા થોડા દિવસો પહેલા પાણીપુરીની લારી પર દરોડા પાડવામાં આવ્યા હતા, અને અખાદ્ય પદાર્થોનો નાશ કરાયો હતો. ત્યારે વડોદરામાં પાણીપુરી બાદ સૌથી વધુ ખવાતી વાનગીમાં સેવઉસળ આવે છે. જેથી કરીને આજે આરોગ્ય વિભાગની ટીમે વડોદરામાં સેવઉસળ વેચતી દુકાનો પર દરોડા પાડ્યા હતા. બે ટીમ બનાવીને માંજલપુર તથા માર્કેટ વિસ્તારમાં આરોગ્ય વિભાગ પહોંચ્યું હતું. જ્યાં સેવસઉળ માટે ઉપયોગમાં લેવાતા પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા.

આ વિશે વડોદરા મહાનગરપાલિકાના ફૂડ ઈન્સ્પેક્ટર જિતેન્દ્ર ગોહિલે જણાવ્યું કે, ચોમાસામાં પાણીજન્ય રોગચાળો વધતો હોય છે. તેથી અગમચેતીના ભાગરૂપે આ દરોડા પાડવામાં આવે છે. સેવઉસળની તરી લાલ બનાવવા માટે અનેક વેપારીઓ સિન્થેટિક કલરનો ઉપયોગ કરતા હોય છે. તેથી અમે વિવિધ લારીઓ તથા દુકાનદારોને ત્યા દરોડા પાડ્યા હતા. મહાકાળી સેવઉસળ, હરસિદ્ધી સેવઉસળ, શ્રદ્ધા સેવઉસળ જેવા પ્રખ્યાત સેવઉસળને ત્યા દરોડા પાડવામાં આવ્યા છે. જ્યા સૌથી વધુ લોકો સેવઉસળ ખાવા આવે છે ત્યા દરોડા પાડવામાં આવ્યા છે.

(5:06 pm IST)