Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

સેન્ટ્રલ જીએસટી અને કસ્ટમ્સના ૮૯ કમિશ્નરને પ્રિન્સીપલ કમિશ્નર તરીકે બઢતી સાથે બદલી

મુંદ્રાના સંજય અગ્રવાલને મુંદ્રા કસ્ટમ્સમાં જ બઢતી અપાઇઃ વડોદરાના મલ્લીકા સિન્હાને પણ તેમના હોદા પર જ અપગ્રેડ કરાયાઃ રાજકોટ (અપીલ) જીએસટી કમિશ્નર કુમાર : સંતોષને અમદાવાદ કસ્ટમ્સમાં બઢતી અપાઇ તેમના સ્થાને અમદાવાદના ગોપીનાથની બદલીઃ કમિશ્નર કક્ષાના ૧૦૧અધિકારીઓની પણ એકસાથે અરસ-પરસ બદલી

રાજકોટ, તા., ૧૭: મિનીસ્ટ્રી ઓફ ફાયનાન્સ અને ડીપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેકટ ટેકસીઝ એન્ડ કસ્ટમ્સના ૮૯ કમિશ્નરની પ્રિન્સીપલ કમિશ્નર તરીકે બઢતી સાથે બદલીના હુકમો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કમિશ્નર કક્ષાના ૧૦૧ અધિકારીઓની એક સાથે અરસપરસ બદલી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના અન્ડર સેક્રેટરી  કુંવર બલવંત  રાવ દ્વારા  આ હુકમો કરવામાં આવ્યા છે.

૧૯૮૮ બેચના આ અધિકારીઓમાં  મુંદ્રાના સંજયકુમાર અગ્રવાલને તેમના  સ્થળે જ બઢતી આપી પોસ્ટ અપગ્રેડ કરવામાં આવી છે. આવી જ રીતે વડોદરા જીએસટી એન્ડ સીએકસના કમિશ્નર મલ્લીકા મહાજન સિન્હાને પણ તેમની જ જગ્યાએ બઢતી આપી પોસ્ટ અપગ્રેડ કરવામાં આવી છે. વડોદરા(ઓડીટ) જીએસટી એન્ડ સીએકસના અજય ગણેશ ઉબાલેને ડીજીએઆરએમ, આરએમડી મુંબઇ ખાતે બઢતીઆપવામાં આવી છે. જયારે સુરતના (ઓડીટ) જીએસટી એન્ડ સીએકસ શ્રી વિજય કલ્સીને તેમના હોદા પર જ બઢતી આપી પોસ્ટ અપગ્રેડ કરવામાં આવી છે. સુરત જીએસટી એન્ડ સીએકસના વિરેન્દ્રકુમાર ચૌધરીને ડીજી જીએસટી મુંબઇ  તરીકે બઢતી આપવામાં આવી છે.

 અમદાવાદ નોર્થ જીએસટી સીએકસ જાવેદ અખતરખાનને મુંબઇ ડાયરેકટર જનરલ ઓફ વેલ્યુએશન તરીકે બઢતી આપવામાં આવી છે. જીએસટી એન્ડ સીએકસ (અપીલ) રાજકોટ શ્રીકુમાર સંતોષને અમદાવાદ કસ્ટમ્સમાં બઢતી આપવામાં આવી છે. તેમના સ્થાને ડીજી (ઓડીટ) અમદાવાદના ગોપીનાથને મુકવામાં આવ્યા છે.

આમ ગુજરાત સહીત દેશભરના ૮૯ અધિકારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જયારે કમિશ્નર રેન્કની જુદી જુદી ખાલી જગ્યાઓ ભરવા માટે દેશભરના ૧૦૧ અધિકારીઓની એક સાથે અરસપરસ બદલી કરવામાં આવી છે.

(3:42 pm IST)