Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ખારા પાણીને મીઠુ બનાવવા નવા ૭ સ્ટેશનો બનશે : વિજયભાઈ

સરકાર પાસે બજેટ છે તો સમગ્ર યુનિટ પોતે કેમ નથી બનાવતી : પરેશ ધાનાણી

ગાંધીનગર, તા. ૧૭ : જામનગર જિલ્લામાં ખારા પાણીને મીઠુ બનાવવાના પ્રોજેકટ બનાવવામાં આવ્યા તે કંઈ પરિસ્થિતિ પર કામગીરી કરી રહી છે તેવા ચિરાગભાઈ કાવરીયાના પ્રશ્નના ઉત્તરમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યુ છે કે હાલ આ પ્રોજેકટ અંતર્ગત આ કામોની એજન્સી મે. જોડીયા વોટર ડિસેલીસન લી. દ્વારા બાંધકામ અંગેની મંજૂરી પર્યાવરણીય મંજૂરીઓ અને નાણાકીય વ્યવસ્થાપન માટેની કાર્યવાહી પ્રગતિ હેઠળ છે.

પર્યાવરણીય મંજૂરીઓ અને નાણાકીય વ્યવસ્થાપન મળ્યા બાદ બે વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. ટેન્ડરમાં મળેલ અને સરકારશ્રીએ મંજૂર કરેલા ભાવો અનુસાર ૩ ઈરાજાદાર પાસેથી પ્રતિદિન ૧૦૦ એમ.એલ. પાણી વેચાણ લેવા માટે રૂ.૫૭ પ્રતિ હજાર લીટરના દરે બે વર્ષ સુધી ત્યારબાદ પુરા કન્સેશન સમયગાળા દરમિયાન રૂ.૫૭ પ્રતિ હજાર લીટરના ભાવથી દર વર્ષે ઉત્તરોત્તર ૩%ના વધારા સાથે ખરીદવાનું આયોજન છે.

આ જવાબથી સંતોષ ન થતા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભારે આક્રોશથી જણાવ્યુ કે રાજયનો ૧૬૦૦ કિ.મી.નો દરીયાઈ કિનારો છે. સાથી કંપનીને ૭૦૦ કરોડના રોકાણ કરે એના કરતા સરકારે જયારે બે લાખ કરોડ કરતા વધારે રકમનું બજેટ છે તો સરકાર આવા યુનિટ પોતે કેમ નથી બનાવતી.

આ તબક્કે રાજયના મુખ્યમંત્રીશ્રીએ દરમિયાનગીરી કરતાં જણાવ્યુ કે રાજય સરકાર આવનારા  ટૂંક સમયમાં રાજયમાં ખારા પાણીને મીઠુ પાણી બનાવવા માટે નવા સાત સ્ટેશનો ઉભા થનાર છે. જેમાં મુંદ્રા, માંડવી, દ્વારકા, સુત્રાપાડા, પીપાવાવ વગેરે જગ્યાઓનો સમાવેશ થાય છે. સરકાર સમયાંતરે આ કાર્ય માટે પ્રયાસો કરી રહી છે અને કરશે.

(3:41 pm IST)