Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

વિધાનસભામાં જોમ, જાગૃતિ અને જવાબદારીથી છવાતા બ્રિજેશ મેરજાઃ સ્પીકર દ્વારા વખાણ

મોરબી-માળીયા પંથકના કાયદો વ્યવસ્થા, અને પ્રજાકિય કામોની અસરકાર રજૂઆત

ગાંધીનગર તા. ૧૭ : ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પુરજોશમાં ચાલુ છે. તેમાં જુદા જુદા વિસ્તારના ધારાસભ્યશ્રીઓ પોતાના પ્રશ્નો રજૂ કરી તેના ઉકેલ માટે રજૂઆતો કરતા રહે છે. મોરબી-માળીયા (મીં.)ના અભ્યાસુ અને જાગૃત ધારાસભ્ય બ્રિજેશ મેરજાની વિધાનસભામાં જુદા જુદા ધારાસભ્યશ્રીઓ તેમજ મંત્રીશ્રીઓ દ્વારા ઉઠાવાતા પ્રશ્નો અને જવાબો તેમજ વિધાનસભાનાં અન્ય આનુષાંગિક ચર્ચાઓ થતી હોય છે એની ઝીણવટભરી નોંધ, પ્રત્યેક દિવસની પોતાની ડાયરીમાં લખતા હોય છે. તેમજ હેડ ફોન દ્વારા સતત વિધાનસભાની કામગીરી - ચર્ચાઓ એકાગ્રતતા પૂર્વક સાંભળતા રહેવાની સુટેવને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જાહેરમાં સરાહના કરીને નોંધ લીધી હતી. તેમજ અન્ય સભ્યશ્રીઓને પણ આ બાબતે બ્રિજેશ મેરજાની કામગીરીને અનુસરવા જણાવ્યું હતું.

બન્યુ એવું કે વિધાનસભામાં શહેરી વિકાસની માગણીઓ ઉપરની ચર્ચાના અંતે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ જવાબ આપીને માગણીઓ મંજૂર કરવાની વાત પુરી કરી રહ્યા હતા તે તબકકે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ રજૂ કરવા દેવાની તક આપવા વિનંતી કરતા અધ્યક્ષશ્રીએ મંજૂરી આપતા મોરબી અને માળીયા (મીં.)ના નગરપાલિકાના વહીવટ, ગ્રાન્ટ અને ચીફ ઓફીસરની ખાલી જગ્યાઓ ભરવા બ્રિજેશ મેરજાએ માંગણી કરીને બેસવા જતા હતા ત્યાં અધ્યક્ષશ્રીએ કહયું કે, માન. મેરજાજી તમને આવી તક કેમ મળી એનું કારણ પૂછો ? ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કહયું 'ફરમાવો' એટલે અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભા ગૃહમાં એમ કહયું કે બ્રિજેશ મેરજા સતત ઇયર ફોન રાખીને વિધાનસભાની કામગીરી એકાગ્રતાથી સાંભળે છે. એટલું જ નહિ પણ તેઓ ગૃહની કાર્યવાહીની ઝીણવટભરી નોંધ પોતાની ડાયરીમાં કરે છે. અધ્યક્ષશ્રીએ વધુમાં કહયું કે મેં જાતે તેમની ડાયરી મંગાવીને આ વાતની ખરાઇ કરી છે. આ સારી બાબત છે એની સરાહના કરૃં છું. તેમજ અન્ય સભ્યશ્રીઓને પણ એમને અનુસરવા જણાવું છું આમ બ્રિજેશ મેરજાની કામગીરીની વિધાનસભાના ખુદ અધ્યક્ષશ્રીએ કદર કરતા ગૃહના સીનીયર મંત્રીશ્રીઓ જુદા જુદા પક્ષના ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓએ બ્રિજેશ મેરજાને અભિનંદન આપ્યા હતાં. અમ વિધાનસભામાં ભાગ્યેજ આવી ઘટના બનતી હોય છે તે જોવા મળી.

મોરબી જીલ્લામાં છેલ્લા બે વર્ષમાં ખુન અને ખૂનની કૌશિશના તાલુકાવાર ગુન્હાઓ અંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પુછેલ પ્રશ્નના જવાબમાં રાજયના ગૃહમંત્રીશ્રીએ એવી માહિતી આપી હતી કે વર્ષ ર૦૧૭-૧૮ માં મોરબીમાં ૧૪ ખૂન અને ૧૦ ખુનની કૌશિષના બનાવો બનેલા તેમજ સને ર૦૧૮-૧૯ માં ૧૮ ખૂન અને ૧ર ખૂનની કૌશિષના ગુન્હા નોંધાયેલા. જે પૈકી અમુકની ધરપકડ થઇ છે. અમુકની બાકી છે. આમ મોરબી વિસ્તારમાં ખુન અને ખૂનની કોશિષના ગંભીર ગુન્હા થતા અટકાવવા ચિંતા સેવવામાં આવી હતી. વધુમાં મોરબી અને માળીયા (મિં.) નગરપાલિકાને આંતર માળખાકીય ગ્રાન્ટ, મનોરંજન ગ્રાન્ટ, વ્યવસાય વેરા ગ્રાન્ટ અને જમીન મહેસુલ બિનખેતી આકાર તેમજ સિંચાઇ દરના ગ્રાન્ટની વિગતો અંગે પણ ધારાસભ્યે પોતાના વિસ્તારની ચિંતા સેવી હતી.

(12:11 pm IST)