Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

વડોદરામાં પ્રસુતાએ 55 મિનિટમાં ચાર બાળકોને આપ્યો જન્મ

હોસ્પિટલ સ્ટાફ અચંબિત :માતા રૂકસારબાનુ સહીત તમામની તબિયત સારી

 

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ડિલેવરી માટે એક મહિલાને એડમિટ કરવામાં આવી અને  હોસ્પિટલ સ્ટાફે તુરંત સારવાર શરૂ કરી, દરમિયાન 55 મિનિટમાં મહિલાએ 4 બાળકોને જન્મ આપતાં હોસ્પિટલ સ્ટાફ પણ અચંબામાં મૂકાઇ ગયો હતો. પાંચ લાખ મહિલાઓમાંથી એક કિસ્સો આવો સામે આવતો હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું

  અંગે મળતી વિગત મુજબ વાડી મોડી વ્હોરવાડમાં રહેતા રૂકસારબાનુ ગુફરાન માગદખાને પેટમાં દુખાવો થતા પરિવારજનો તુરતજ સયાજી હોસ્પિટલ સ્થિત રૂકમણી ચૈનાની હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબ ટીમની મદદથી રૂકસારબાનુંએ 55 મિનીટમાં 4 બાળકોને જન્મ આપ્યો હતો.

    રુકસારબાનુએ રાત્રે 1 કલાકે પ્રથમ પુત્રીને જન્મ આપ્યો હતો. તે બાદ 1.38 કલાકે બીજો પુત્ર, 1.39 કલાકે ત્રીજો પુત્ર અને 1.55 કલાકે ચોથા પુત્રને જન્મ આપ્યો હતો.

પિડીયાટ્રીક વિભાગના પ્રોફેસર ડો. શિલાબહેન ઐયરે જણાવ્યું હતું કે,એક મહિલાએ ચાર બાળકોને જન્મ આપ્યો છે. જેમાં બાળકીનું વજન 1 કિ.ગ્રામ, બે બાળકોનું 1.200 કિ.ગ્રામ અને અન્ય એક બાળકનું વજન 1.100 કિ.ગ્રામ વજન છે.

ચાર બાળકોને જન્મ આપનાર માતાની તબિયત સારી છે. નવજાત ચાર બાળકોને એન.આઇ.સી.યુ.માં રાખવામાં આવ્યા છે.

(1:00 am IST)