Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

છેલ્લા બે વર્ષમાં ગેરકાયેદસર લાયન શો કરતા ૭૪ ઝડપાયા

વિધાનસભામાં સિંહોના અકાળે મોત અને લાયન શો મુદ્દે વિપક્ષે સરકારને ઘેરી

અમદાવાદ ;ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં ગીરના સિંહોના મુદ્દે સદન ગુંજ્યું હતું. છેલ્લા બે વર્ષમાં સિંહોના અકાળે થયેલા મૃત્યુ અને ગેરકાયદેસર લાયન શોના મુદ્દે પ્રશ્ન પૂછાયા હતા સરકારે સદનમાં જણાવ્યું હતું કે બે વર્ષમાં ગેરકાયેદસર લાયન શો કરતા ૭૪ વ્યક્તિ પકડાયા હતા જેમાં વનવિભાગનો એક પણ વ્યક્તિ સામેલ નહોતો.

 અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં ગીરમાં ગેરકાયેદસર લાયન શો થઈ રહ્યો હોવાનો એક ચકચારી વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં બે વ્યક્તિ નજીક એક સિંહણ ઊભેલી દેખાતી હતી અને તેને મરઘી આપી મારણની લાલચે પ્રવાસીઓને દેખાડી પૈસા ઉઘરાવામાં આવ્યા હતા.

સરકારે સદનમાં કહ્યું કે પકડાયેલા ૭૪ લોકો સામે વન્ય જીવ સંરક્ષણ કાયદા મુજબ કાર્યવાહી કરાશે. આ પ્રકારની ઘટના ન ઘટે તે માટે સરકારે જંગલ વિસ્તારના ચેકિંગ નાકાઓ પર સીસીટીવી લગાવ્યા છે.

  સરકારે જણાવ્યું હતું કે સિંહ દર્શન અને સફારી પાર્ક માટે જતી જીપ્સીઓ નિયત રૂટ પર જ જાય છે કે નહીં તેની માહિતી પણ મળી રહે તે માટે પરવાના વાળી જીપ્સીઓમાં ય્ઁજી સિસ્ટમ લગાડવામાં આવી છે.

સાવર-કુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે આ સવાલ પૂછતા સરકારે જવાબ આપ્યો હતો. દૂધાતે સદનમાં કહ્યું હતું કે વર્ષ ૨૦૧૮માં ઑક્ટોબર મહિનામાં મૃત્યુ પામેલા સિંહનો હજુ સુધી રિપોર્ટ આવ્યો નથી

(11:40 pm IST)