Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદમાં બ્રેક : ચિંતા વધી

અમદાવાદમાં ગરમીનું પ્રમાણ : પારો ૩૯.૧ થયો : આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં હળવા ઝાપટા

અમદાવાદ, તા. ૧૬ : અમદાવાદ શહેરની સાથે સાથે ગુજરાતમાં પણ વરસાદમાં હવે બ્રેકની સ્થિતિ જોવા મળી રહી છે. જેના પરિણામ સ્વરુપે ફરી એકવાર ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. મોનસુનની સિઝનમાં પણ પારો ૪૦ની આસપાસ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગો ખાસ કરીને નવસારી, વલસાડ, નર્મદા, તાપી, ડાંગ, સુરત, ભરુચ, છોટાઉદેપુર, દમણ અને દાદરાનગર હવેલીમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ હળવા વરસાદી છાંટા પડ્યા હોવાના અહેવાલ મળ્યા છે. આજે અમદાવાદ શહેરમાં આંશિકરીતે વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું પરંતુ ગરમીના કારણે લોકો હજુ પણ ત્રાહિમામ પોકારી ગયા છે. પારો હજુ પણ ૪૦ની આસપાસ જોવા મળી રહ્યો છે. વરસાદ ખેંચાઈ જવાના કારણે ચિંતા પણ વધી ગઈ છે. જૂન મહિનામાં ઓછો વરસાદ થયા બાદ જુલાઈ મહિનામાં પણ વરસાદ થઇ રહ્યો નથી. અમદાવાદ શહેરમાં હજુ સુધી માત્ર એક જ વખત નોંધનીય વરસાદ થયો છે. અન્ય દિવસોમાં બિલકુલ વરસાદ નોંધાયો નથી. આવી સ્થિતિમાં એકબાજુ ગરમી પડી રહી છે ત્યારે પારો પણ નોંધપાત્રરીતે ઘટી રહ્યો નથી.

આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૯.૧ અને લઘુત્તમ તાપમાન ૨૮.૧ ડિગ્રી રહ્યું હતું. સિઝનમાં રોગચાળાના કેસો પણ ઉલ્લેખનીયરીતે વધી ગયા છે. બેવડી સિઝન અનુભવાઈ રહી છે. પ્રદૂષિત પાણી અને ભોજનને લઇને ફુડ પોઇઝનિંગના કિસ્સા સપાટી ઉપર આવ્યા છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે પણ આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. તાપમાનમાં કોઇ ફેરફાર થશે નહીં.

(9:37 pm IST)