Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

રાજ્યમાં ગુરૂપૂર્ણિમા પર્વની પરંપરાગતરીતે ઉજવણી થઇ

શિષ્યો અને વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂપૂજન : સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂપૂજન : શહેરના વિવિધ મંદિરમાં શ્રદ્ધાળુ ઉમટ્યા

અમદાવાદ, તા.૧૬ : આજે ગરૂપૂર્ણિમાને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં વિવિધ મંદિરોમાં શ્રદ્ધાળુ ભકતોની ભારે ભીડ જામી હતી. તો, બીજીબાજુ, ગુરૂપૂર્ણિમાના પવિત્ર દિવસને લઇ સોલા ભાગવત, સ્વામિનારાયણ ગુરૂકુળ, એસજીવીપી સહિતના શિક્ષણધામો અને મંદિર સ્થાનકોમાં પણ ગરૂપૂજનના ભકિતસભર અને ભાવવિભોર કાર્યક્રમો યોજાયા હતા. શ્રી વરતંતુ સંસ્કૃત મહાવિદ્યાલયના પૂજ્ય એવા ગુરુજનો તેમજ સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે ભણતા ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ પરંપરાના ભાગરૂપે પ.પૂ. કૃષ્ણશંકર શાસ્ત્રી (દાદાજી)ની ચરણપાદુકાજીનું પૂજન તેમજ દાદાજીના પૌત્ર એવા  ગુરુવર્ય સમાન પૂ. શ્રી ભાગવતઋષિ શાસ્ત્રીજીનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂ. શ્રી ભાગવતઋષિએ જણાવ્યુ હતું કે, નમ્રતાનું ફળ એ સેવા છે, ગુરુસેવાનું ફળ જ્ઞાન છે, જ્ઞાનનું ફળ સ્થિરતા છે. મનુષ્ય ગુરુ પાસેથી જે જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતો, તે જ્ઞાન બીજે કોઈ જગ્યાએ મેળવી શકતો નથી. માણસ ગુરુકૃપાથી જ બધું જ પ્રાપ્ત કરે છે. ગુરુકૃપા દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન જ ચેતના છે, શિષ્ય તે ચેતનાથી જાગૃત બને છે અને તેનું સાંસારિક જીવન સુખમય બની જાય છે. શિષ્યો દ્વારા ગુરૂપૂજનના દ્રશ્યોને લઇ એક તબક્કે ભાવવિભોર માહોલ છવાયો હતો. દરમ્યાન અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આજે વિવિધ મંદિરો ખાતે દેવી-દેવતાઓના દર્શન માટે શ્રધ્ધાળુ ભકતો ખૂબ મોટી સંખ્યામાં ઉમટયા હતા. શહેરના ભદ્રકાળી માતાના મંદિર, સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિર, આશ્રમરોડ વલ્લભસદન, કાલુપુર સ્વામિનારાયણ મંદિર, એસજીવીપી ગુરૂકુળ, સ્વામિનારાયણ ગુરૂકુળ, ઇસ્કોન મંદિર, ભાડજ સ્થિતિ રાધામાધવ મંદિર, સોલા ભાગવત, વૈષ્ણોદેવી મંદિર, વૈષ્ણોદેવી સર્કલ પાસે મારૂતિનંદન ધામ, થલતેજના શ્રી વૈભવલક્ષ્મી મંદિર, અંજનીમાતાના મંદિર, સાંઇ ધામ, ધનાસુથારની પોળના સુપ્રસિધ્ધ અંબાજી માતાના મંદિર સહિતના મંદિરોમાં હજારો શ્રધ્ધાળુઓએ આજે ગુરૂપૂર્ણિમાના દિવસે દર્શનાર્થે ભારે ભીડ લગાવી હતી. તો રાજયના સુપ્રસિધ્ધ યાત્રાધામો અંબાજી, સોમનાથ, શામળાજી, ડાકોર, દ્વારકા, સાળંગપુર કષ્ટભંજન દેવ, વીરપુર જલારામ મંદિર, વડતાલ સ્વામિનારાયણ ધામ સહિતના તીર્થધામોમાં પણ આજે ગુરૂપૂર્ણિમાના દિવસે જાણે ભકતોનું ઘોડાપૂર ઉમટયુ હતુ.

(9:37 pm IST)