Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

વિદ્યુત સહાયકોના ફિક્સ પગારમાં કરાયેલો વધારો

૨૫૦૦થી લઇ ૧૦,૪૫૦ સુધીનો વધારો કરાયો : સરકારના નિર્ણયથી જીયુવીએનએલ તેમજ તેને સંલગ્ન કંપનીઓ પર હવે વાર્ષિક ૩૩ કરોડ રૂપિયાનો બોજ પડશે

અમદાવાદ, તા.૧૭ : ગુજરાતના ઉર્જામંત્રી સૌરભ પટેલે આજે કહ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના સબળ નેતૃત્વમાં ગુજરાત સરકારે વિજ ક્ષેત્રમાં ફરજ બજાવતા વિવિધ સંવર્ગના વિદ્યુત સહાયકોના પગારમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.  ગુજરાત વિદ્યુત બોર્ડ અને તેને સંલગ્ન કંપનીઓમાં ફરજ બજાવતાં સાત હજારથી વધુ વિદ્યુત સહાયકોના પગારમાં નોંધપાત્ર વધારો રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. રાજય સરકારના આ મહત્વના નિર્ણયને પગલે જીયુવીએનએલ અને તેને સંલગ્ન કંપનીઓ પર વાર્ષિક રૂ. ૩૩ કરોડનો બોજો આવશે. વિદ્યુત સહાયકોના ફિક્સ પગારમાં માસિક રૂ.૨૫૦૦થી લઇ રૂ.૧૦,૪૫૦નો વધારો કરવામાં આવ્યો છે. જેને લઇ વિદ્યુત સહાયક કર્મચારીઓમાં ભારે ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે.  આ અંગે રાજયના ઉર્જાપ્રધાન સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજયમાં આવેલુ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ. અને તેની સંલગ્ન કંપનીઓમાં કાર્યરત એવા સાત હજાર વિદ્યુત સહાયકો જેવા કે, ઇલેક્ટ્રીક આસીસ્ટન્ટ, હેલ્પર, જુનીયર આસીસ્ટન્ટ, પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ-૧ અને જુનીયર ઇજનેર એમ ચાર સંવર્ગમાં ફિક્સપગારથી કામ કરી રહ્યા છે. રાજય સરકાર દ્વારા આવા વિદ્યુત સહાયકના વેતનમાં માસિક રૂ.૨૫૦૦થી રૂ.૧૦,૪૫૦નો વધારો કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયને પગલે જીયુવીએનએલ અને તને સંલગ્ન કંપનીઓ પર વાર્ષિક રૂ.૩૩ કરોડનો બોજો આવશે. બીજીબાજુ, રાજય સરકાર દ્વારા વિદ્યુત સહાયકોના પગારમાં નોંધપાત્ર વધારો કરવાના પરિણામે આ કર્મચારીઆલમમાં ભારે ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે. વિદ્યુત સહાયક કર્મચારી મંડળ દ્વારા સરકારના નિર્ણયને આવકાર આપી આભાર પ્રગટ કરાયો હતો. આ ઉપરાંત વિદ્યુત સહાયક જુનિયર ઇજનેરને પ્રથમ વર્ષે મળતા પગાર માસિક રૂપિયા ૨૧૫૫૦માં ગત ઓક્ટોબર માસમાં વધારો કરીને ૨૬૫૫૦ કરાયો હતો જે હવે ૩૭૦૦૦ અને દ્વિતીય વર્ષનો પગાર માસિક ૨૩૫૫૦ વધારીને ગત ઓક્ટોબર માસમાં ૨૮૫૫૦ થયો હતો તે હવે વધીને ૩૯૦૦૦ થશે. રાજ્ય સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ધોરણો અનુસાર વિદ્યુત સહાયક જુનિયાર ઇજનેર બે વર્ષ પૂર્ણ કરે ત્યારે અને અન્ય સંવર્ગના વિદ્યુત સહાયકો ત્રણ વર્ષ પૂર્ણ કરે ત્યારે જે તે સંવર્ગમાં કાયમી કરવામાં આવે છે. ઉર્જામંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય  સરકારના આ નિર્ણયથી જીયુવીએનએલ અને તેની સંલગ્ન કંપનીઓ ઉપર વાર્ષિક ૩૨.૭૯ કરોડનું આર્થિક ભારણ આવશે.

(9:31 pm IST)