Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

રથયાત્રા દરમિયાન મોબાઇલ ચોરનારી ટોળકી પકડાઈ ગઈ

૧૨.૨૪ લાખના ૫૧ મોબાઇલ સાથે ત્રણ પકડાયા : તહેવાર હૈ ભારી સંખ્યામેં જનમેદની હોગી આસાની સે મોબાઇલ ચોરી હો સકતા હૈ તેવું વિચારીને ચોરીઓ કરી

અમદાવાદ,તા. ૧૭ : ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોબાઇલ ફોનની ચોરી કરનારી  ઝારખંડની ગેંગનો વટવા પોલીસે પર્દાફાશ કર્યો હતો અને ગેંગના ત્રણ શખસને રૂ. ૧૨.૨૪ લાખના ૫૧ મોબાઇલ ફોન સાથે રંગે હાથ ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓની હાથ ધરેલી સઘન પૂછપરછમાં તેમણે ચોંકાવનારી કબૂલાત કરી હતી કે, રથ કા તહેવાર હૈ ભારી સંખ્યામેં જનમેદની હોગી આસાની સે મોબાઇલ ફોન ચોરી હો સકતા હૈ તેવું વિચારીને તેમણે મોબાઇ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વટવા વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી પાંચ અજાણ્યા શખસ મકાન ભાડે રાખવા માટે ફરી રહ્યા હોવાની વિગત વટવા પોલીસ સ્ટેશનને મળી હતી. પોલીસે ગુપ્ત વોચ ગોઠવી શંકાના આધારે ત્રણ શખસની અટકાયત કરીને તેમની તલાશી લીધી હતી તો તેમની પાસેથી ૫૧ બ્રાન્ડેડ અને મોંધાં મોબાઇલ ફોન મળી આવ્યા હતા. પોલીસ ત્રણ શખસની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઇને આવી હતી. પૂછપરછમાં તેમણે કબૂલાત કરી હતી કે રથ કા તહેવાર હૈ ભારી સંખ્યામેં જનમેદની હોગી આસાનીસે મોબાઇલ ફોન ચોરી હો સકતા હૈ. આરોપીઓ અનિલ ઇન્દ્રદેવ મહતો, સંદીપ નંદકિશોર નોસરિયા અને શનિકુમાર નોનિયા ઝારખંડના રહેવાસી છે અને ખીસ્સામાંથી મોબાઇલ ચોરી કરવામાં માહિર છે. ત્રણેય શખસ સાથે બીજા શખસ પણ ચોરીમાં સામેલ હતા. રથાયાત્રા હોવાથી ઝારખંડથી સ્પેશ્યલ ચોરી કરવા માટે તેઓ અમદાવાદ ખાતે ટ્રેન મારફતે આવ્યા હતા. ટ્રેનમાં પણ તેમણે પેસેન્જરોની નજર ચૂકવી અને ખીસ્સા કાતરીને ૧૧ મોબાઇલ ફોનની ચોરી કરી હતી. રથાયાત્રામાં અલગ અલગ જગ્યાએથી આ ચોર ટોળકીએ ૪૦ મોબાઇલ ફોનની ચોરી કરી હતી. આ ત્રણેય ચોર વિરુદ્ધમાં મુંબઇમાં પણ ચોરીનો ગુનો દાખલ થયો છે. ત્યારે રથયાત્રા દરમ્યાન ૧૦ મોબાઇલ ફોન ચોરી થઇ હોવાની ફરિયાદ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. પોલીસે આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલા ૫૧ મોબાઇલ ફોન અંગે પણ તપાસ આગળ ચલાવી છે.

(7:39 pm IST)