Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

પેટલાદના રંગાઈપુરામાં રાત્રીના સુમારે 7 ફૂટનો મગર દેખાતા અફડાતફડી

આણંદ:જિલ્લાના પેટલાદ તાલુકાના રંગાઈપુરા ગામે ગઈકાલ રાત્રિના સુમારે એક ૭ ફૂટનો મગર ધસી આવ્યો હતો. રહેણાંક વિસ્તાર નજીક ધસી આવેલ મગર અંગે ગ્રામજનોને જાણ થતાં ગ્રામજનોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દરમ્યાન આ ઘટનાની જાણ પેટલાદ વન વિભાગ તથા નેચર હેલ્થ ફાઉન્ડેશન વિદ્યાનગરને થતાં આ ટીમોએ ઘટના સ્થળે દોડી ભારે જહેમત બાદ મગરને પાંજરે પૂર્યો હતો. બાદમાં સલામત સ્થળે છોડી દેવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
વધુમાં મળતી વિગતો મુજબ પેટલાદ તાલુકાના રંગાઈપુરા ગામે આવેલ એચ.પી.પેટ્રોલ પંપ પાછળ રવિવાર રાત્રિના લગભગ ૧૨ઃ૦૦ કલાકના આસપાસના સુમારે એક ૭ ફૂટનો મગર પેટ્રોલ પંપ પાછળની દિવાલ નજીક ધસી આવ્યો હોવાનું લોક નજરે ચઢ્યું હતું. આ ઘટનાની જાણ સ્થાનિકોને થતાં સ્થાનિકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા.
દરમ્યાન ગ્રામજનો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા પેટલાદ વન વિભાગ તથા વિદ્યાનગર સ્થિત નેચર હેલ્થ ફાઉન્ડેશનની ટીમો તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મગરને પાંજરે પુરવાની કામગીરી હાથ ધરી હતી. અડધા કલાકની જહેમત બાદ સુરક્ષિત રીતે મગરને પાંજરે પુરવામાં આવ્યો હતો. વધુમાં નેચર હેલ્થ ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ ચોમાસા દરમ્યાન મગર સ્થળાંતર કરતા હોય છે. જેથી નજીકના કોઈ તળાવમાંથી આ મગર ધસી આવ્યો હોવાનું અનુમાન છે.

(6:20 pm IST)