Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

બોરસદના કાલુમાં અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી

આણંદ:હાલમાં ચોમાસાની શરૃઆત સાથે સમગ્ર આણંદ જીલ્લામાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાવાની ફરીયાદો વધી જવા પામી છે. બોરસદ તાલુકાના કાલુ ગામના વહેરાઈ માતા મંદીર વિસ્તારમાં ચારે તરફથી વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનીક વિસ્તારના ૨૦૦ થી ૨૫૦ પરીવારોની મુશ્કેલીઓ વધી જવા પામી છે.
ચોમાસાની શરૃઆત સાથે જ આણંદ જીલ્લાના શહેર સહિત ગામડાઓમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ વધી જવા પામી છે. સ્થાનીક તંત્રની નિષ્ક્રીયતા અને પ્રિ-મોન્સુન કામગીરીના અભાવે ઠેર-ઠેર વરસાદી પાણીના ભરાવા સાથે સ્તાનીક રહિશોની મુશ્કેલીઓમાં વધારો થઈ જવા પામ્યો છે. બોરસદ તાલુકાના કાલુ ગામ ખાતે વહેરાઈ માતા વિસ્તારમાં વરસાદી પાણી ૧ થી ૨ ફુટ જેટલુ ભરાઈ રહેતાં સ્થાનીક રહિશોને ઘરની બહાર નિકળવું મુશ્કેલ થઈ જવા પામ્યું છે.
આ વિસ્તારમાં ચારે તરફ વરસાદી પાણી ભરાઈ રહેવાની સાથે સાથે લોકોના ઘરોમાં પણ વરસાદનું પાણી ઘુસી જતું હોવાની ફરીયાદો સ્થાનીક રહીશો દ્વારા કરવામાં આવી છે. એકથી બે ફુટ પાણી ભરાવાને કારણે સ્થાનીક લોકોને ઘરની બહાર જવા સહીત શાળામાં જતાં વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તદ્ઉપરાંત અહીંયા રહેતાં પશુપાલકોને પોતાના ઢોરોને ક્યાં બાંધવા તેવી સમસ્યા ઉભી થઈ છે. પાણી ભરાઈ રહેવાને કારણે ઢોરોને પણ બે ફુટ પાણીમાં ઉભા રાખવાની ફરજ પડી રહી છે.

(6:19 pm IST)