Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ખેડા બાયપાસ નજીક ટ્રકમાંથી થયેલ લૂંટનો ભેદ ઉકેલવા માટે પોલીસ કાર્યરત થઇ

ખેડા: બાયપાસ હાઈવે વાત્રક બ્રીજ નજીક ટ્રક આગળ બાર ટાયરવાળી ટ્રક ઊભી રાખી અજાણ્યા ઈસમોએ ટ્રક ડ્રાઈવરને બંધક બનાવી રોડની સાઈડમાં ફેંકી દીધો હતો. જ્યારે અન્ય બે ઈસમો ટ્રકની ઉઠાંતરી કરી રતનપુર નજીક ટ્રકમાંથી માલસામાન ભરેલ કાર્ટુનોની લૂંટ કરી ટ્રકને બીનવારસી મૂકી ફરાર થઈ ગયા હતા. આ બનાવને એક અઠવાડિયા જેટલો સમય થયો છતાં હજુ સુધી લૂંટારું ટોળકીની કોઈ કડી પોલીસને હાથ લાગી નથી. જોકે પોલીસ તંત્ર લૂંટારૂઓનો ભેદ ઉકેલવા દોડધામ કરી રહ્યું છે. 

મળેલ વિગત મુજબ ઉત્તર પ્રદેશના શીવશંકર રામ પ્રતાપ સોનકર ગત તા. ૧૦મીની વહેલી સવારે અસલાલી ટ્રાન્સપોર્ટમાંથી ટ્રક નં. જીજે ૦૧ બીવાય ૫૧૨૩માં કાર્ટુનો ભરી નેશનલ હાઈવે નં. ૮ ઉપરથી જઈ રહ્યો હતો ત્યારે વહેલી સવારે ખેડા બાયપાસ હાઈવે વાત્રક બ્રીજ ઉતરતો હતો આ દરમ્યાન પાછળથી પૂરપાટ ઝડપે આવેલ ૨૦ ટાયરવાળી ટ્રક આઈશર ટ્રક આગળ આવીને ઊભી રહી હતી. આ ટ્રકમાં બેઠેલા ઈસમો પૈકી ત્રણ ઈસમો ટ્રક ડ્રાઈવરને માર મારી તેના પાકીટમાંથી રૂા. ૬૦૦૦ રોકડ કાઢી લઈ ડ્રાઈવરને બંધક બનાવી આંતરોલી નજીક રોડની સાઈડમાં ફેંકી નાસી ગયા હતા. અન્ય ઈસમો માલસામાન ભરેલ આઈશર ટ્રક હંકારી લઈ ગયા હતા. બાદમાં આઈશરમાં ભરેલ માલસામાનના કાર્ટુનો રૂા. સાત લાખની લૂંટ ચલાવી ટ્રકને રતનપુર સર્વીસ રોડ બિનવારસી હાલતમાં મૂકી નાસી ગયા હતા. 

આ બનાવ અંગે લૂંટનો ભોગ બનેલ ટ્રક ડ્રાઈવરે માતર પોલીસમાં ફરિયાદ કરી હતી. આ ઘટનાની જાણ થતા ડીવાય એસપી તેમજ માતરના પોસઈ બનાવ સ્થળે દોડી ગયા હતા. તેમજ ટ્રક ડ્રાઈવરની પૂછપરછ હાથ ધરી હતી. માતર પોલીસે સનસનાટી ભરી લૂંટના બનાવની તપાસ આરંભી હતી પરંતુ હજુ સુધી લૂંટારું ટોળકી અંગેની કોઈ જાણકારી મળેલ નથી. હાલમાં એલસીબી ખેડા પોલીસ લૂંટના બનાવની તપાસ ચલાવી રહેલ છે. પરંતુ લૂંટના બનાવને સપ્તાહ જેટલો સમય થયો છતાં હજુ સુધી લૂંટારું ટોળકીની કડી મેળવવામાં પોલીસને સફળતા મળેલ નથી. એલસીબી ખેડા પોલીસે લૂંટનો ભેદ ઉકેલવા અલગ અલગ ટીમો બનાવી જુદી જુદી દિશામાં તપાસ આરંભી છે.

(6:16 pm IST)