Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

શાળાઓમાં રજા રાખવી કે નહિં ? પરિસ્થિતિ જોઈને સ્થાનિક કક્ષાએ જ નિર્ણય લેવાનો

એક તરફ વરસાદનું જોખમ, બીજી તરફ બાળકોના અભ્યાસનો પ્રશ્ન :કલેકટર સાથે પરામર્શ કરી નક્કી કરવા શિક્ષણાધિકારીઓને સરકારનો આદેશ

રાજકોટ, તા. ૧૭ :. રાજ્ય સરકારે ભારે વરસાદની પરિસ્થિતિમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં રજા રાખવાનો નિર્ણય લેવાની સત્તા જે તે જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીને આપતો આદેશ કર્યો છે. જિલ્લા શિક્ષણ તંત્રના વડાએ જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહી રજા અંગેનો નિર્ણય કરવાનો રહેશે.

વરસાદ એ એક કુદરતી બાબત છે. ઘણી વખત પરિસ્થિતિનો અગાઉથી ખ્યાલ આવતો નથી. વરસાદી પરિસ્થિતિ દરેક જિલ્લામાં અથવા જિલ્લાના જુદા જુદા ભાગોમાં જુદી જુદી હોય છે. બધે એક સરખો નિર્ણય લેવાનું વ્યાજબી હોતુ નથી. તેથી રાજ્ય સરકારે જ્યાં વરસાદી માહોલ સમીક્ષા કરવા લાયક હોય ત્યાં સમીક્ષા કરી સ્થાનિક કક્ષાએ જ રજા રાખવા કે ન રાખવા અંગેનો નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે. એક તરફ વરસાદનું જોખમ હોય છે બીજી તરફ બાળકોના શિક્ષણનો પ્રશ્ન હોય છે. તેથી રજા રાખવા કે ન રાખવા અંગેનો નિર્ણય રાજ્ય કક્ષાએ લેવાના બદલે જે તે તાલુકા અને જિલ્લાની પરિસ્થિતિને ધ્યાને રાખીને નિર્ણય લેવા માટે સરકારે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ તંત્રને આદેશ આપ્યો છે.(૨-૨૬)

(4:04 pm IST)