Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

દીવનો દરિયો તોફાની બન્યો : ૨૦ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા

દરિયાથી દૂર રહેવા અપાઇ ચેતવણી

અમદાવાદ તા. ૧૭ : છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર પંથકમાં મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. જેને પગલે સૌરાષ્ટ્ર પંથકની નદીઓ ગાંડીતૂર બની છે. નદીઓના પૂરના પાણી આસપાસના ગામોમાં ધૂસી જતા ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ઉના, ગીર ગઢડા સહિતના તાલુકાઓમાં ભારે વરસાદને પગલે જન-જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ગામો અને શહેરોના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે.

ભારે વરસાદને પગલે દીવનો દરિયો તોફાની બન્યો છે અને ૨૦ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. જેને પગલે તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવા અને લોકોને દરિયાકિનારાથી દૂર રહેવા ચેતવણી આપી છે.

ઉના પંથકમાં ભારે વરસાદને પગલે ઘણા ગામોમાં પાણી ભરાઈ ગયા છે. ઉનાના સૈયદ રાજપરા બંદરમાં વરસાદના પાણી ઘૂસી જતા વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે.

ઉનાની નજીક આવેલા દેલવાડામાં આવેલું સુપ્રસિદ્ઘ તિર્થધામ ગુપ્તપ્રયાગ બેટમાં ફેરવાઈ ગયું છે. અહીં આવેલું પૌરાણિક મંદિર પાણીમાં ડૂબી ગયું છે.

(11:31 am IST)