Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્‍ટ્રમાં વરસાદે ૨૯ લોકોનો ભોગ લીધોઃ પાંચ સ્ટેટ હાઇવે અને ૧૨૬ રસ્તાઓ બંધ કરવાની ફરજ પડીઃ ૧૧૦ પશુઓના મોતઃ ૨૪ કલાક દરમિયાન ૩૧ જિલ્લાના ૧૯૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો

અમદાવાદઃ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં વરસાદને કારણે અત્યાર સુધી 29 લોકોનાં મોત થયા છે. તો અત્યાર સુધી વરસાદને કારણે કુલ 110 પશુઓનાં પણ મોત થયા છે. વરસાદને કારણે પાંચ સ્ટેટ હાઇવે સહિત 124 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. રાજ્યમાં પ્રભાવિત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમને તહેનાત કરી દેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા હજી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 31 જિલ્લાના 199 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ભાવનગરના જેસરમાં 9 ઇંચ નોંધાયો છે. જ્યારે કામરેજ, ગણદેવી, ઓલપાડ, કપરાડામાં સાત-સાત ઇંચ વરસાદ નોંધાયો છે. ખેરગામ, ચીખલી અને સુરત શહેરમાં છ-છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે પારડી, ભાવનગર, વાંસદા, બારડોલીમાં પાંચ-પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના 48 તાલુકાઓમાં બે થી નવ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

વલસાડ ખાતે ઓરંગા નદીએ ચાર મીટરની ભયજનક સપાટી વટાવી દેતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઔરંગાના કિનારે આવેલા તમામ ગામના લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે. હાલ ઔરંગા નદી પાંચ મીટરની સપાટીએ વહી રહી છે. વલસાડ જિલ્લામાં સતત નવમાં દિવસે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. સોમવારે પણ જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

પોરબંદરમાં દરિયા તોફાની બનતા એક ટગ દરિયામાં ફસાઈ છે. પવનને કારણે જૂની દીવાદાંડી નજીક આ ટગ આવી પહોંચી હતી. બોટમાં રહેલા છ લોકોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. પોરબંદર ખેંચાઇ આવેલી ટગનું નામ હેન્કી છે.

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં સાબરી નદી બે કાંઠે વહી રહી છે. નદી પર આવેલા સાબરી ડેમના આઠ દરવાજા બે દિવસમાં ત્રીજાવાર ખોલાય છે. દરવાજા ખોલવાને કારણે નીચાણવાળા વિસ્તારમાં આવેલા માણેકવાડા ગામમાં પાણી ફરી વળ્યા છે.

ભાવનગરમાં ખેડૂતોએ જાત મહેનત કરીને બાંધેલી બંધારો ઓવરફ્લો થઈ ગયો છે. મેથાણા ગામ ખાતે આવેલો બંધારો એવોરફ્લો થવાને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે.

મધ્ય પ્રદેશમાં સારા વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમની સપાટીમાં દર કલાકે બે સેન્ટિમીટરનો વધારો થઈ રહ્યો છે. ડેમની હાલની સપાટી 110.78 મીટર છે. હાલ ડેમમાં 19,504 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

સુરતમાં ભારે વરસાદથી ઓલપાડ-કીમ સ્ટેટ હાઈ-વે બંધ કરવાની ફરજ પડી છે. ટકારમાં રોડ પર પાણી ફરી વળતા હાઇવે પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી. હાઇવે બંધ થતા અનેક વાહનચાલકો અટવાઈ ગયા છે.

નવસારીમાં ભારે વરસાદને કારણે પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલો 100 વર્ષ જૂનો વડલો જમીનદોસ્ત થઈ ગયો હતો. વડનું વૃક્ષ ઉખડી જતાં તંત્રએ રસ્તો ખાલી કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

(9:07 am IST)