Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

PI સહિત ૩ લોકો સામે ૩૦ લાખની છેતરપિંડીનો ગુનો દાખલ

પોલીસ પુત્રએ બંધ બેક અકાઉન્ટનો ચેક પણ આપ્યો : પેટ્રોલપંપ ચાલુ કરવા માટે ફરિયાદીને રોકાણ કરવા અને ભાગીદાર બનાવવા માટે રૂપિયા ૩૦ લાખ મેળવ્યા હતા

અમદાવાદ,તા.૧૭ : સામાન્ય રીતે છેતરપિંડી કે આર્થિક ગુનાની તપાસ પોલીસ ઈન્સપેક્ટર કરતા હોય છે. પરંતુ શહેરના આનંદનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસ ઈન્સપેક્ટર, તેના પુત્ર અને એક વેપારી વિરુદ્ધ રૂપિયા ૩૦ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસ પુત્રએ બંધ બેક અકાઉન્ટનો ચેક પણ આપ્યો હોવાનુ સામે આવ્યું છે. બીજી તરફ પોલીસ અધિકારીએ ફરિયાદી અને તેના ભાઈને દબાવવા માટે ખોટી અરજી ફરિયાદો કરી હોવાનું પણ સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે ભાવનગરના વેપારી સાથે પેટ્રોલપંપમાં ભાગીદારી કરવાના બહાને છેતરપિંડી કરવામાં આવી છે. ફરિયાદી સુરેશભાઈ ચૌહાણ ભાવનગરમા ઓઈલ અને ડીઝલના ટ્રડિંગનુ કામ કરે છે. તેમના મિત્ર દ્વારા તેમનો પરિચય પોલીસ ઈન્સપેકટર દિગ્વિજયસિંહ ઝાલા અને તેના પુત્ર પ્રતિકરાજ ઝાલા સાથે થયો હતો. બાદમાં અન્ય એક વેપારી ઉત્તમ શેઠ સાથે મિત્રતા બંધાઈ હતી.

       પોલીસ પુત્રએ વેરાવળમાં પેટ્રોલપંપ ચાલુ કરવા માટે ફરિયાદીને રોકાણ કરવા અને ભાગીદાર બનાવવા માટે રૂપિયા ૩૦ લાખ મેળવ્યા હતા. જે પરત ન આપી તેમની સાથે છેતરપિંડી કરી હતી. ઉપરાંત ફરિયાદીને આરોપી પ્રતિકરાજે બંધ થઈ ગયેલા બેંક અકાઉન્ટનો ચેક આપ્યો હતો. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ઈન્સપેક્ટર અને તેના પુત્ર દ્વારા છેતરપિંડી આચરવાની સાથે ફરિયાદીને રુપિયા પરત ન આપવા માટે કેટલાય વલખા માર્યા હતા. જેમાં ફરિયાદી અને તેના ભાઈ પર ચેક ચોરીની ફરિયાદ અને અરજીઓ પણ કરવામાં આવી. ઉપરાંત ફરિયાદીએ આરોપી સાથે છેતરપિંડી કરી હોવાની પણ રજુઆત કરવામાં આવી. જોકે, તપાસના અંતે તમામ અરજીઓ ખોટી હોવાનું સામે આવ્યુ હતુ. આખરે કાયદાએ કાયદાનુ કામ કર્યું હતું અને છેતરપિંડી કરનાર પીઆઈ સહિત ત્રણ લોકો વિરુદ્ધ ત્રણ વર્ષ બાદ ગુનો નોંધાયો છે. આનંદનગર પોલીસની તપાસમા સામે આવ્યું છે કે, છેલ્લા ત્રણ વર્ષથી ફરિયાદી પોતાની સાથે થયેલી છેતરપિંડી મામલે રજુઆત કરતા હતા. પરંતુ આરોપીઓ 'ચોરી ઉપર સે સીના જોરીલ્લ જેવું કામ કરી ફરિયાદીને જ ખોટો સાબિત કરવા માટે મહેનત કરી રહ્યા હતા. ગુનો નોંધાયા બાદ એક વાત સામે આવી છે કે પીઆઈ પુત્ર ગુનો નોંધાય તે પહેલા જ દેશ છોડી ફરાર થઈ ગયો છે. બીજી તરફ પોલીસે આરોપી પીઆઈ અને અન્ય વેપારીની શોધખોળ હાથ ધરી છે.

(8:55 pm IST)