Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

આણંદમાં ટ્રકમાં કાચના ટુકડાઓની આડમાં લઇ જવાઈ રહેલ વિદેશી દારૂનો જથ્થો ધર્મજ-તારાપુર હાઇવે નજીકથી ઝડપવામાં આવ્યો

આણંદ : ટ્રકમાં પાર્ટીશન પાડી કાચના ટુકડાઓની આડમાં થઈ રહેલ વિદેશી દારૂની હેરાફેરીનો આણંદ એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો હતો. ધર્મજ-તારાપુર હાઈવે ઉપર માણેજ ગામ નજીકથી એલસીબી પોલીસે રૂા.૧૪.૦૭ લાખનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક સાથે ચાલકને ઝડપી પાડયો હતો. પોલીસે ટ્રકચાલક વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખાનગીરાહે બુટલેગરો દ્વારા વિદેશી દારૂનો મોટા પાયે વેપલો થતો હોવાની ચર્ચાઓ ઉઠતા પોલીસ દ્વારા પ્રોહીબીશન ડ્રાઈવનું ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત જિલ્લા પોલીસ વડાની સુચનાથી આણંદ એલસીબી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કાચના ટુકડા ભરેલ એક ટ્રકમાં વિદેશી દારૂ સંતાડી ધર્મજ ચોકડીથી તારાપુર હાઈવે ઉપર થઈ બગોદરા તરફ ટ્રક જનાર હોવાની ગુપ્ત માહિતી એલસીબી પોલીસને મળી હતી. મળેલ બાતમીના આધારે પોલીસની ટીમ ધર્મજ-તારાપુર હાઈવે માર્ગ ઉપર આવેલ માણેજ ગામના ઓવરબ્રીજ નજીક ગુપ્ત વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન બાતમીદારના વર્ણન મુજબની ટ્રક આવી ચઢતા પોલીસે શંકાના આધારે તેને અટકાવી હતી. પોલીસે ટ્રકચાલકનું નામ-ઠામ પુછતાં તે રામસ્વરૂપ ધોકલરામ બિશ્નોઈ (રહે.બિકાનેર, રાજસ્થાન) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ટ્રકની પાછળના ભાગે તાડપત્રી હટાવી તલાશી લેતાં પાર્ટીશન મારેલ હોવાનું અને તેની ઉપર કાચના ટુકડા ભર્યા હોવાનું પ્રથમ નજરે જોવા મળ્યું હતુ. પોલીસે તલસ્પર્શી તપાસ કરતા પાછળના ભાગે ગોઠવેલ સીમેન્ટના બ્લોક ખસેડીને જોતા પાર્ટીશનની નીચેના ભાગેથી રૂા.૧૪.૦૭ લાખ જેટલી માતબર રકમનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ તથા ટ્રક મળી કુલ્લે રૂા.૨૯,૧૦,૫૫૦નો મુદ્દામાલ જપ્ત કરી પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકના હવાલે કરતા પોલીસે ટ્રકચાલક વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:32 pm IST)