Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

હવે જીએસટીનો નવો નંબર મેળવવા માટે નાણાં માંગનારા સામે કડકાઇનો ઇશારો

ઉચ્ચસ્તરે તાકીદે બેઠક બોલાવી નિયમ પાલન કરવા અલ્ટિમેટમ અપાયું : હવે ફરિયાદ મળશે તો શિક્ષાત્મક પગલાં માટે પણ તાકીદ કરાઇ

અમદાવાદ,તા. ૧૭: જીએસટી નંબર મેળવવા માટે અરજી કર્યા બાદ અરજદારને નંબર આપતા પહેલા કરવામાં આવતી હેરાનગતિની સાથે સાથે કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ નાંણા પડાવતા હોવાની વ્યાપક ફરીયાદ બાદ આજે તાબડતોબ સ્ટેટ જીએસટી ખાતે એક બેઠક બોલાવવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે. આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓએ સુધરી જવા માટેનો ગહિત ઇશારો કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે.

બોગસ બિલીંગના વધતા કેસના કારણે જીએસટી નંબર આપતા પહેલા નિયમોમાં સુધારા વધારા કર્યા છે. તેમાં પણ આધારકાર્ડ અને પાનકાર્ડ લીંક હોય તો વધુમાં વધુ ૧૫ દિવસમાં જીએસટી નંબર આપી દેવાનો હોય છે. તેમ છતાં અધિકારી કે કર્મચારીને શંકા જાય તો સ્થળ તપાસ કર્યા બાદ નંબર આપવામાં આવતો હોય છે. જોકે કેટલાક કર્મચારીઓ સ્થળ તપાસના નામે અરજદાર પાસે નાંણા પડાવતા હોવાની ફરીયાદ ઉઠી હતી. તેના કારણે સ્ટેટ જીએસટી ભવન ખાતે તાબડતોબ એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં નવા ભરતી થયેલા કર્મચારીઓએ ખાસ સુચના આપીને હવેથી આવી ફરીયાદ મળી તો શિક્ષાત્મક પગલાં ભરવાની ચિમકી આપવામાં આવી છે. તેમજ નિયમની ઉપરવટ જઇને જીએસટી નંબર આપવા માટે વધારાના કાગળ માંગવામાં આવ્યા કે કોઈ પણ અરજદારને પરેશાન કરવામાં આવશે તો પણ કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે આ આદેશનો અમલ કાગળ પર કે મૌખિક જ ન રહી જાય તેની પૂરતી તકેદારી ઉચ્ચધિકારી રાખે તે પણ જરૂરી છે.

ભ્રષ્ટ અધિકારીઓને પાપે પ્રામાણિક સ્ટાફ ઉપર પણ શંકા

સ્ટેટ જીએસટીમાં હાલમાં જ ભરતી થયેલા કેટલાક કમંચારીઓ અને અધિકારીઓ દ્વારા અરજદાર પાસેથી અથવા તો કરદાતા પાસેથી મનફાવે તે રીતે નાણા માંગવામાં આવી રહ્યા હોવાના કારણે જ સ્ટેટ જીએસટીમાં જ ફરજ બજાવતા પ્રામાણિક કર્મચારીઓ અને અધિકારીઓને પણ શંકાની નજરે જોવામાં આવતા હોય છે. તેના કારણે સમગ્ર વિભાગની છબી ખરડાય તે પહેલા જ ઉચ્ચ અધિકારીઓએ તાકીદે બેઠક બોલાવીને સમસ્યાનુ નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

(10:21 am IST)