Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

ભરૂચમાં ભાજપના ૧૫૦ કાર્યકર્તા AAPમાં જોડાયા

આણંદ અકસ્માત : પીએમ-સીએમ દ્વારા સંવેદના : ભરૂચની એક હોટલમાં એએપીની બેઠક મળી, ભાજપના ૧૫૦ જેટલા કાર્યકરોએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો

ભરૂચ, તા. ૧૬ : ભરૂચમાં ભાજપના  ૧૦૦ થી વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ છોડી આમ આદમી પાર્ટીની ટોપી પહેરી છે. ભાજપના યુવા મોરચાના સક્રિય કાર્યકર અને સેવાયજ્ઞ સમિતિના યુવા અગ્રણી અભિલેષ ગોહિલ સહિત ૧૫૦ થી વધુ સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ભરૂચની એક હોટલમાં આમ આદમી પાર્ટીની બેઠક મળી હતી, જેમાં ભાજપના ૧૫૦ જેટલા કાર્યકરોએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો છે.

આજે આમ આદમી પાર્ટીની હોટલ બેઠક યોજાઈ હતી. ભાજપના યુવા મોરચાના સક્રિય કાર્યકર અને માનવ સેવાયજ્ઞ સંસ્થાના યુવા અગ્રણી અભિલેષ ગોહિલ પોતાના ૧૫૦ સમર્થકો સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ બેઠકમાં ઉપસ્થિત પ્રદેશ સહસંગઠન મંત્રી હરેશ જોગરાના, જિલ્લા પ્રભારી કે.પી.શર્મા, જિલ્લા પ્રમુખ જ્યેન્દ્રસિંહ રાજ સહિત ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં અભિલેષ ગોહિલે આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો હતો. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જ્યેન્દ્રસિંહ રાજે આમ આદમી પાર્ટીમાં જોડાનાર તમામને આવકાર્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરતા અભિલેષ ગોહિલે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના કેજરીવાલની નીતિ અને વિચારોથી પ્રભાવિત થઈ આપમાં જોડાયો છું.

તો બીજી તરફ, આપ પાર્ટીનો નવો ચહેરો ઇસુદાન ગઢવી સુરતની મુલાકાતે પહોંચ્યા હત. તક્ષશીલા આર્કેડની મુલાકાત લઈને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે, પરિવર્તન જરૂરથી આવશે. ઓછા ભણેલા લોકો પણ કામ કરી શકશે તો તેમને તક આપવામાં આવશે.

(9:40 pm IST)