Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

આણંદના બોરીયાવીમાં રાત્રીના સુમારે પેટ્રોલિગ દરમ્યાન પોલીસે ડીઝલ ચોરી કરતી ટોળકીના 6 સાગરીતોને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા

આણંદ: ગ્રામ્ય પોલીસે ગઈકાલ રાત્રિના સુમારે પેટ્રોલીંગ દરમ્યાન નેશનલ હાઈવે ઉપર આવેલ આણંદ જિલ્લાના બોરીઆવી ગામ નજીકથી ટ્રકોમાંથી ડીઝલ ચોરી કરતી અને ધાડ પાડતી ટોળકીના ૬ સાગરીતોને રંગેહાથ ઝડપી પાડયા હતા. 

પોલીસે તેઓની પાસેથી બે કાર, ડીઝલના ખાલી કેરબા અને ગુપ્તી સહિતના ઘાતક હથિયારો કબ્જે લઈ તમામ વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ ગ્રામ્ય પોલીસની ટીમ ગઈકાલે હાઈવે વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળી હતી. છેલ્લા કેટલાક સમયથી આણંદ, નડિયાદ તથા વડોદરા જિલ્લામાં નેશનલ હાઈવે ઉપર ઉભેલ ટ્રકોમાંથી ડીઝલ ચોરીના બનાવો બન્યા હતા અને કેટલાક શખ્શો દ્વારા ગાડીઓ મારફતે આવી ઉભેલ વાહનોમાંથી ડીઝલ ચોરી કરવાના તેમજ ડ્રાઈવરને માર મારી લૂંટી લેવાના બનાવ બનેલ હોઈ ગ્રામ્ય પોલીસની ટીમ હાઈવે ઉપર ખાસ નજર રાખી રહી હતી. દરમ્યાન આણંદ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપરના બોરીઆવી ગામ નજીકથી પોલીસે ૬ શખ્શોને શકમંદ હાલતમાં ઝડપી પાડી તેઓના નામ-ઠામ અંગે પુછપરછ કરતા તે નવીનસિંહ ઉર્ફે લલ્લો કેસરીસિંહ ચાવડા, વિજયસિંહ ઉર્ફે ભયલુ ભારતસિંહ ચાવડા, મહેન્દ્રસિંહ ઉર્ફે ભયલુ ગણપતસિંહ ચાવડા, રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુ નટવરસિંહ ચાવડા (તમામ રહે.જેશાપુરા, તા.ઠાસરા), અલ્પેશકુમાર રમેશભાઈ ઝાલા (રહે.સુંદલપુરા, તા.ઉમરેઠ) અને કનક ઉર્ફે રાજુ પ્રતાપભાઈ પરમાર (રહે.કોટલીંડોરા, તા.ઠાસરા) હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે તેઓની પાસેથી એક વર્ના કાર, તાવેરા કાર, ડીઝલના ખાલી કેરબા તથા ગુપ્તી સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ પુછપરછ કરતા આ ૬ શખ્શોએ અગાઉ આણંદ જિલ્લામાં ૬ જેટલા ગુનાઓને અંજામ આપ્યો હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી આણંદ ગ્રામ્ય પોલીસે આ ૬ શખ્શો સામે ડીઝલ ચોરી અને ધાડના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:53 pm IST)