Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

નવા ભારતના નિર્માણમાં યુવા શક્તિને ભૂમિકા મહત્વની હશે

તાલિમી આઈપીએસ અધિકારી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને મળ્યા : ગુજરાતમાં ગુનાખોરી અંકુશ માટે નવી ટેકનોલોજી તૈયાર

અમદાવાદ,તા.૧૭ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની આજે ગાંધીનગરમાં રર જેટલા પ્રોબેશનરી આઈપીએસ યુવા અધિકારીઓએ શુભેચ્છા-સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી. ર૦૧૮ની તાલીમી આઈપીએસ બેચના આ અધિકારીઓ તેમના તાલીમ-અભ્યાસના ભાગરૂપે ૧પ દિવસ માટે વિવિધ રાજ્યોની મૂલાકાત જે-તે રાજ્યની સાંસ્કૃતિક અને સામાજીક ગતિવિધિઓ તેમજ ફિલ્ડ ફંકશનીંગની જાણકારી મેળવવાના હેતુસર લેતા હોય છે. આ અંતર્ગત રર જેટલા તાલીમી આઈપીએસ યુવાઓ ગુજરાતની મૂલાકાતે આવેલા છે. મુખ્યમંત્રીએ આ યુવા તાલીમી અધિકારીઓને ગુજરાતની સુદ્રઢ કાયદો વ્યવસ્થા, સી.સી.ટી.વી. સર્વેલન્સ નેટવર્ક, સાયબર સિકયુરિટીમાં અદ્યતન તકનીક વિનિયોગ અને ડ્રોન ટેકનોલોજી સહિતના આયામોની વિસ્તૃત સમજ આપી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, કોઇ પણ રાજ્યમાં પબ્લીક સર્વિસીસ – જાહેર સેવાઓમા આઈપીએસ,આઈએએસની ભૂમિકા અહેમ હોય છે. આ સંદર્ભમાં વિજય રૂપાણીએ અરજદાર કે રજૂઆત કર્તા પ્રત્યે સંવેદનશીલ અને સૌજન્યપૂર્ણ વ્યવહારની શીખ આપતાં કહ્યું કે, પદ સાથે પ્રતિષ્ઠા ત્યારે જ મળે છે જ્યારે સામાન્ય માનવીના હ્વદયમાં સંનિષ્ઠ અધિકારી તરીકે કોઇ વ્યકિત પ્રસ્થાપિત થાય તેવા વ્યવહાર-વર્તન હોય. તેમણે આ યુવાઓને પ્રેરણા આપતાં ઉમેર્યુ કે, ઇશ્વરે જનસેવા કરવાના જે અવસર આવી ઉચ્ચ સર્વિસ દ્વારા આપ્યા છે તેને ભલિભાંતિ નિભાવી રાષ્ટ્ર-રાજ્યનું ગૌરવ વધારવાનું દાયિત્વ યુવા પેઢી નિભાવે. વડાપ્રધાનએ નયા ભારતના નિર્માણનો જે સંકલ્પ કર્યો છે તેમાં યુવાઓની મુખ્ય ભૂમિકા રહેવાની છે તેનો વિશેષ ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ આ જવાબદારી વહન કરવામાં તાલીમી અધિકારીઓ નિષ્ઠા, ખંત અને લગનથી પાર ઉતરશે તેવી અપેક્ષા દર્શાવી હતી. મુખ્યમંત્રીએ ગુજરાતમાં ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સિટી, રક્ષાશકિત યુનિવર્સિટી જેવી વર્લ્ડ કલાસ યુનિવર્સિટીઓ અને  ગૂનાખોરી ડામવા, ગૂના સંશોધન નિયંત્રણ માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનો ગુજરાત પ્રયોગ દેશ અને દુનિયામાં આકર્ષણ બન્યો છે તેની પણ ભૂમિકા આપી હતી. વિજય રૂપાણીએ ગુજરાતમાં પોલીસદળમાં પારદર્શી ભરતી, ઉચ્ચશિક્ષા ધરાવતા યુવાકર્મીઓ તેમજ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી પોલીસ દળ સજ્જ-સક્ષમ છે તેમ પણ આ તાલીમી આઈપીએસ યુવાઓ સાથે સહજ સંવાદ સાધતા જણાવ્યું હતું. હૈદરાબાદની નેશનલ પોલીસ એકેડમીમાં આર.આર-૭૧ બેચ અંતર્ગત ૧૪૯ આઈપીએસ તાલીમાર્થીઓ તાલીમ લઇ રહ્યા છે તેમાં ૧૫ તાલીમાર્થી નેપાલ, ભૂતાન અને માલદીવ ટાપૂઓના છે. આ ૧૪૯ માંથી ૨૨ તાલીમી આઈપીએસની બેચ ગુજરાત પ્રવાસે છે તેમણે રવિવારે સ્ટેચ્યુ ઓફ યનિટી પરિસરની મૂલાકાત લઇને સોમવારે મુખ્યમંત્રી સાથે સૌજન્ય-શુભેચ્છા મૂલાકાત કરી હતી.

(9:18 pm IST)