Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

વડોદરામાં મહેમદાવાદની પરિણીતા પર દહેજના મામલે ત્રાસ ગુજારી પરેશાન કરનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: કોર્ટમાં ક્લાર્કની નોકરી કરતા યુવકે પત્ની સાથે ઝઘડો કરી ૧૦ તોલા સોનું, કારની માંગણી કરતા સમગ્ર મામલે મહેમદાવાદ પોલીસમાં પરિણીતાએ સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. મહેમદાવાદમાં રહેતી અને એમ.એ.બી.એડ.નો અભ્યાસ કરેલ ભગવતીબેન નામની યુવતીના લગ્ન ગયા વર્ષ એપ્રિલમાં છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે રહેતા યુવક સાથે સમાજના રીતિ રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ પરિણીતા પોતાના સાસરે ગઈ હતી. થોડા જ સમયમાં તેના પતિને વડોદરા સ્થિત કોર્ટમાં ક્લાર્ક તરીકે નોકરી મળતા તે વડોદરા વાઘોડિયા સ્થાયી થયા હતા. બાજુમાં ભગવતીબેનના કાકા સસરા પણ રહેતા હતા. થોડા દિવસો સારું રાખ્યા બાદ કાકા સસરાએ પતિની ખોટી રીતે ચઢમણી કરી જમવાનું બનાવવાની બાબતે તેમજ ઘરના કામકાજ બાબતે ઝઘડો કરવા લાગતા હતા અને ગત ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ તેણીના પતિએ જણાવ્યું કે ચાલ આપણે બંને મહેમદાવાદ ખાતે તારા મા-બાપને મળીને આવીએ છીએ તેમ કહી ભગવતીબેનને તેનો પતિ મહેમદાવાદ લાવ્યો હતો. આ બાદ તેણીના મા-બાપને દિકરીને કામકાજ કંઈ નથી આવડતું તેમ કહી ચર્ચાઓ કરી હતી. બાદમાં ઝઘડો કરી અપશબ્દો બોલી માર માર્યો હતો અને જણાવ્યું હતું કે તારા મા-બાપ દસ તોલા સોનું અને ગાડી આપે તો પાછી આવજે તેવું જણાવી તેનો પતિ તેણીને મુકીને જતો રહ્યો હતો. આ બાબતે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે પતિ હિરેનભાઈ રણછોડભાઈ રોહિત, સસરા રણછોડભાઈ રેવાભાઈ રોહિત, સાસુ જશોદાબેન રણછોડભાઈ રોહિત (તમામ રહે. મુળ નસવાડી, જિ. છોટા ઉદેપુર, હાલ રહે. વાઘોડિયા ચોકડી, વડોદરા) અને કાકા સસરા હિંમતભાઈ રેવાભાઈ રોહિત (રહે. વાઘોડિયા ચોકડી, વડોદરા) સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

(5:59 pm IST)