Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

ગાંધીનગરના ઓતમપુરા ગામમાં તળાવમાં ખુબજ મોટા પ્રમાણમાં ગંદકી થઇ જતા લોકોના સ્વાસ્થ્યને જોખમ

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ઓતમપુરા ગામમાં તળાવમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગંદકી થઈ જવા પામી છે. મુખ્ય માર્ગ પાસે જ આવેલા આ તળાવમાં એટલી હદે ગંદકી થઈ જવા પામી છે કે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ આ ગંદકીની સ્થિતિથી દુર્ગંધ પણ ફેલાઈ જવા પામી છે. આ તળાવની આસપાસ જ રહેણાંક વિસ્તાર છે. જેને ઘણા લોકો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે આ અહી વધી ગયેલ ગંદકીથી આસપાસના રહીશોમાં રોગચાળાનો પણ ભય ફેલાયો છે. અહી નજીક જ મુખ્ય માર્ગ પસાર થયા છે. જેના પરથી હજારો લોકોની અવરજવર રહેતી હોય છે. જેનાથી વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તળાવમાં દૂષિત પાણી પણ પુષ્કળ પ્રમાણમાં ભરાયું છે. પરંતુ આ બાબતે હજુ સુધી તંત્ર કોઈ જ નોંધ લેતું નથી. આ ગંદકીથી આસપાસના રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તેમજ મોટી બીમારીઓનો ભોગ બનવાની પણ શક્યતા રહેલી છે.  સ્વચ્છતાની સુફિયાણી વાતો વચ્ચે ગામડાંઓમાં વાસ્તવિકતા કંઈક જુદી જ જોવા મળી રહી છે. આ બાબતે ગ્રામજનોએ ઘણી રજૂઆતો કરી હતી તેમ છતાં હજુ સુધી આ સમસ્યાનું કોઈ જ પ્રકારનું નિરાકરણ લાવવામાં આવતું નથી. અને હજુ પણ અહી સ્થિતિ અકબંધ છે. ત્યારે સત્વરે આ ગંદકી દૂર કરવામાં આવે તેવી માંગ પણ રહીશોમાં ઉઠવા પામી છે.

(5:52 pm IST)